કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ DGFT અધિકારીના આપઘાત કેસમાં મોટો વળાંક, મૃતકની પત્નીનો રૂપિયા ભરેલો થેલો ફેંકતો વીડિયો વાયરલ

રાજકોટમાં શુક્રવારે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ(DGFT)ની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઈ રૂપિયા 5 લાખની લાંચ લેતાં CBIના હાથે રંગેહાથ ઝડપાયા હતા. જો કે, જાવરીમલ બિશ્નોઇએ શનિવારે વહેલી સવારે પોતાની ઓફિસના ચોથા માળેથી કૂદકો મારી આપઘાત કર્યો હતો. આ ઘટનાને 48 કલાકનો સમય વીતી ગયો છતાં પરિવાર હજી સુધી લાશ સ્વીકારતો નથી. આજે ઘટનાના બીજા દિવસે પણ બિશ્નોઈ સમાજ સિવિલ હોસ્પિટલમાં ધરણા પર બેસી ગયો છે. તેવામાં મૃતક અધિકારી જાવરીમલના નાના ભાઈ સંજયકુમારે જણાવ્યું હતું કે, CBIના અધિકારીઓએ મારા ભાઈને મારી નાખ્યો છે. આ ઘટનામાં હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટની દિશા-નિર્દેશ હેઠળ તપાસ કરવામાં આવે તેવી અમારી માગ છે. દરમિયાન આ કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે. આ બનાવમાં એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે જેમાં અધિકારીને લાંચ લેતા ઝડપી લીધા બાદ આ અંગે ઘરે ખબર પડી ત્યારે તેના પત્નીએ ભત્રીજાને બોલાવી ઘરમાં રહેલો રૂપિયા ભરેલો થેલો ફેંકી સગેવગે કરવાની કોશિષ કરી હતી.

વીડિયોમાં શું જોવા મળે છે ?

હાલમાં વાયરલ થયેલો વીડિયો જ્યારે અધિકારી જાવરીમલ લાંચ લેતા ઝડપાઈ ગયા હતા તે રાત્રીનો હતો. જેમાં રાત્રે 10.37 વાગ્યાએ જાવરીમલના એપાર્ટમેન્ટમાં તેનો ભત્રીજો ઉભો રહી ફોનમાં કોઈ સાથે વાત કરતો હતો અને ત્યારબાદ થોડી જ સેકન્ડોમાં તે ફ્લેટની સાવ નીચે આવી જાય છે અને ઉપરથી કોઈકને કંઈક ફેંકવા માટેના ઈશારા કરે છે ત્યારબાદ ગણતરીની સેકંડોમાં ઉપરથી થેલો નીચે આવે છે અને તે જમીન ઉપર પડ્યા બાદ તેમાંથી કેટલાક બંડલ વેર વિખેર થઈને પડી જાય છે. આ બંડલ બેગમાં ભરી ભત્રીજો ત્યાંથી રવાના થઈ જાય છે.

આ પહેલા પાડોશીના ઘરે રોકડ ભરેલું પોટલું ઘા કર્યું હતું

પતિ જાવરીમલને લાંચ લેતા સીબીઆઈએ ઝડપી લીધા છે તેવી જાણ થતાં તેની પત્નીને તપાસ દરમિયાન ઘરમાં સાચવેલા 50 લાખ રોકડા અને ચાંદીના સિક્કા સીબીઆઇની ટીમ જપ્ત કરી લેશે એવી ચિંતા હતી. તેવામાં જાવરીમલે ઓફિસેથી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું તો એક તરફ પતિની લાશ હૉસ્પિટલમાં હતી ત્યારે ઘરે જાવરીમલની પત્નીએ રોકડ અને સિક્કાને એક પોટલામાં બાંધીને તેને સામેના ફ્લેટની ગેલેરીમાં ફેંકી દીધું હતું. જે ફ્લેટની ગેલેરીમાં પોટલું પડ્યું એ ઘરના માલિક નીચેના બીજા ફ્લેટમાં રહેતા હતા. પોટલું જે ફ્લેટની ગેલરીમાં પડ્યું હતું તેની ચાવી લેવા માટે જાવરીમલની પત્ની અને તેમનો પુત્ર વારા-ફરતી એ ફ્લેટના માલિકના ઘરે ગયા અને અમારી ચૂંદડી ત્યાં પડી છે એમ કહીને ચાવી માગી હતી. બાદમાં આ અંગેની જાણ સીબીઆઈને થતા તેઓએ આ પોટલું કબજે કર્યું હતું.

Back to top button