અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજ્યની PTC કોલેજોમાં મોટું કૌભાંડ: ₹2 લાખમાં એડમિશન આપવાનો યુવરાજસિંહ જાડેજાનો સનસનીખેજ આક્ષેપ

અમદાવાદ 9 ઓક્ટોબર 2025: રાજ્યની PTC (પ્રાથમિક શિક્ષક તાલીમ કોલેજ) કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે એક મોટો વિસ્ફોટ કર્યો છે. તેમણે ખુલ્લો આક્ષેપ કર્યો છે કે PTC કોલેજોમાં એડમિશનની સીટોનો બેફામ વેપલો ચાલી રહ્યો છે અને આ ભ્રષ્ટાચારના તાર ઉચ્ચ સરકારી અધિકારીઓ સુધી લંબાયેલા છે.

દસક્રોઈની કોલેજ સામે ૨ લાખના તોડનો આક્ષેપ

જાડેજાએ મુખ્યત્વે અમદાવાદના દસક્રોઈમાં આવેલી કુશાગ્ર લતાબા સ્ત્રી મંદિર PTC કોલેજ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, આ સંસ્થામાં PTCમાં એડમિશન આપવાના નામે વિદ્યાર્થીઓ પાસેથી ૨ લાખ રૂપિયા સુધીની જંગી રકમની માંગણી કરવામાં આવી રહી છે. આ રકમ વિદ્યાર્થીઓની યોગ્યતા કે મેરિટને બદલે સીટ ખરીદવા માટે લેવામાં આવે છે.

‘શિક્ષણ સચિવ મુકેશ કુમાર સુધી પહોંચે છે રકમ’

આ કૌભાંડને વધુ ગંભીર બનાવતા યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો કે PTC કોલેજના ટ્રસ્ટીઓ ખુલ્લેઆમ કહે છે કે આ ભ્રષ્ટાચારમાં વહીવટી સ્તરના અધિકારીઓની સંડોવણી છે. એક ટ્રસ્ટી વર્માએ આ અંગે વાત કરતાં જણાવ્યું હોવાનો આક્ષેપ છે કે, “આ રકમમાંથી એક લાખ રૂપિયા તો શિક્ષણ સચિવ મુકેશ કુમાર સુધી પહોંચે છે.” આ ઉપરાંત, લોકમાન્ય B.Ed. કોલેજ શિવરંજનીના ગૌરાંગ પરમાર સુધી પણ આ ગેરકાયદેસર વ્યવહારની રકમ પહોંચતી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. આ સીધા આક્ષેપોએ રાજ્યના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે.

ઉત્તર બુનિયાદી વિદ્યાર્થીઓ સાથે અન્યાય

ભ્રષ્ટાચાર ઉપરાંત, યુવરાજસિંહે ઉત્તર બુનિયાદીના વિદ્યાર્થીઓ સાથે PTC એડમિશનમાં થતા અન્યાયનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે ઉત્તર બુનિયાદીના વિદ્યાર્થીઓને PTCમાં એડમિશન ન મળી શકે તેવો તુઘલખી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

તેમણે પ્રશ્ન કર્યો કે, “નિયમો બધા માટે સરખા હોવા છતાં, ઉત્તર બુનિયાદીના વિદ્યાર્થીઓને કેમ અન્યાય કરવામાં આવે છે? તેમને પહેલા એડમિશન આપી દેવાય છે અને પછીથી ‘ઉત્તર બુનિયાદી’નું બહાનું કાઢીને ગેરકાયદેસર વ્યવહાર કરવાની ફરજ પાડવામાં આવે છે.”

યુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર પ્રકરણની તટસ્થ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે, જેથી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ટ્રસ્ટીઓ અને અધિકારીઓ સામે કડક પગલાં લઈ શકાય.

આ પણ વાંચો: રાખી સાવંત ત્રીજા લગ્ન કરી રહી છે? ટીવીનો ફેમસ એક્ટર કોન્ટ્રોવર્સીયલ ક્વિનનો થશે પતિ?

Back to top button