વિશેષ

મર્ડરસ મેરી: મનોરંજનની આડમાં એક નિર્દોષ હાથણીને ‘મર્ડરર’ કહીને લટકાવી દીધી હતી…

આ વાત છે 1916ની, જ્યારે અમેરિકાના નાના-નાના શહેરોમાં સર્કસની ટ્રેન આવતી ત્યારે બાળકોની આંખોમાં ચમક આવી જતી. આ સર્કસ હતું – Sparks World Famous Shows – જેની સ્ટાર હતી એક વિશાળ એશિયન હાથણી. તેનું નામ હતું મેરી. લોકો તેને “બિગ મેરી” કહેતા, કારણ કે તે 11 ફૂટ 9 ઇંચ ઊંચી હતી, 5 ટન વજનની, અને પોસ્ટર પર લખેલું હતું કે “આ પૃથ્વી પરનું સૌથી મોટું જીવંત જમીની પ્રાણી!”

મેરી એક સમયે જંગલમાં આઝાદ ફરતી હતી, પણ બચપનમાં જ તેને પકડી લાવવામાં આવી. વર્ષો સુધી તેને ટ્રેનિંગ આપવામાં આવી – ચાલવું, બોલવું, સાઇકલ ચલાવવું, મ્યુઝિક વગાડવું… તે શાંત અને સમજદાર હતી. હજારો લોકો તેને જોવા આવતા, તાળીઓ પાડતા પણ કોઈને ખબર નહોતી કે તેના મોટા શરીરની અંદર કેટલુ દર્દ છુપાયેલુ છે.

સર્કસના માલિક ચાર્લી સ્પાર્ક્સને એક નવો મહાવત જોઈતો હતો. વોલ્ટર નામનો એક નવો છોકરો આવ્યો. તે બહાદુર દેખાતો, પણ અંદરથી કઠોર હતો. તેની પાસે એક લાંબી, તીક્ષ્ણ લોખંડની હુક હતી, જેને તે મેરીના કાન પાછળ વારંવાર મારતો. દરેક વખતે મેરીનું શરીર ધ્રૂજી જતું, પણ તે ચૂપ રહેતી. તે જાણતી હતી કે ચીસ પાડશે તો માર પડશે.

12 સપ્ટેમ્બર 1916નો દિવસ હતો. સર્કસ Kingsport, Tennesseeમાં પરેડ કરી રહ્યું હતું. રસ્તા પર લોકોની ભીડ, બાળકોની આંખોમાં ખુશી અને મેરી પર બેઠો હતો નવો મહાવત – વોલ્ટર રેડ એલ્ડ્રિજ. એ માણસ માત્ર બીજા જ દિવસે જોબ પર આવ્યો હતો. પહેલાં તો હોટેલમાં બેલબોય હતો, પણ સર્કસમાં આવીને તેને મોટું હૂક (એન્કસ) આપવામાં આવ્યું, એ મેટલનું શસ્ત્ર જેનાથી હાથીને કંટ્રોલ કરવામાં આવે.

પરેડ ચાલી રહી હતી ત્યારે મેરીએ અચાનક રસ્તા પર પડેલા તરબુચના છોતરા જોયા. એક પળ માટે તે રોકાઈ ગઈ, સૂંઢ નીચે કરીને થોડું ખાવા ગઈ. આ જોતા જ રેડ ગુસ્સે થઈ ગયો. તેણે જોરથી હૂકથી મેરીના માથામાં અને કાનની પાછળ માર્યું. આ વખતે દર્દ અસહ્ય થઈ ગયું. મેરીની આંખો લાલ થઈ ગઈ. એક જ પળમાં તેણે પોતાનો લાંબો સૂંઢ વોલ્ટરની આજુબાજુ વીંટાળ્યો, તેને ઉપાડ્યો અને જમીન પર પછાડ્યો. બીજી જ પળમાં તેના વિશાળ પગે વોલ્ટરને કચડી નાખ્યો. વોલ્ટર તરત જ મરી ગયો. આ બધું હજારો લોકોની સામે થયું. લોકો મેરીનો ગુસ્સો જોઈ ડરી ગયા, ચીસો પાડવા લાગ્યા.

આ ઘટના આગની જેમ ફેલાઈ ગઈ. લોકો બિગ મેરીને “મર્ડરસ મેરી” કહેવા લાગ્યા. “ખતરનાક હાથણી!” “તેને મારી નાખો!” એવી ચીસો ગુંજવા લાગી. સર્કસના શો બંધ થવાની ધમકીઓ આવવા લાગી. ચાર્લી સ્પાર્ક્સના મનમાં દુવિધા થઈ – તે મેરીને પ્રેમ કરતો હતો, પણ બિઝનેસ પણ તો બચાવવાનો હતો.

ચાર્લી સ્પાર્ક્સને ડર લાગ્યો કે આનાથી આખું સર્કસ બંધ થઈ જશે. તેણે નક્કી કર્યું કે મેરીને સજા આપવી પડશે. પહેલાં વિચાર્યું બંદૂકથી મારીએ, પછી ઇલેક્ટ્રિક શોક, પણ બધું અશક્ય લાગ્યું. આખરે નિર્ણય થયો – ફાંસી!

બીજા જ દિવસે, 13 સપ્ટેમ્બર 1916, ઇર્વિન નગરના રેલવે યાર્ડમાં હજારો લોકો ભેગા થયા. બાળકો, સ્ત્રીઓ, પુરુષો… બધા એક જ “શો” જોવા આવ્યા હતા. 100-ટનનુ મોટુ ક્રેન તૈયાર કરવામાં આવ્યુ. મેરીને રેલ ગાડીમાં લાવવામાં આવી. તેના પગને સાંકળથી બાંધી દીધા હતા. ગળામાં મોટી સ્ટીલની ચેઇન બાંધી હતી.

પહેલી વખત ક્રેન ચાલુ થઈ. મેરીને ઉપર ઉઠાવવામાં આવી… પણ સાંકળ તૂટી ગઈ! મેરી નીચે પડી, તેના પગ તૂટી ગયા, તે ખૂબ દર્દમાં ચીસો પાડતી રહી, તડપતી રહી, પણ કોઈને દયા ન આવી. લોકોની ભીડમાં શાંતિ છવાઈ ગઈ. બીજી વખત મજબૂત સાંકળ બાંધી, મેરીને ફરી ઉપર ઉઠાવી… આ વખતે તે લટકી રહી- લગભગ અડધો કલાક સુધી. તેના પગ હવામાં ફફડતા રહ્યા અને આખરે તેનો શ્વાસ થંભી ગયો.

ભીડમાંથી તાળીઓ ગુંજી ઉઠી. લોકોએ ખુશીથી ચીસો પાડી. એક માતા પોતાના બાળકને કહેતી હતી, “જો બેટા, આ ખરાબ હાથણીને સજા મળી!” પરંતુ કોઈએ એ વાત પર ધ્યાન ન આપ્યું કે મેરીના દાંતમાં અને માથાના પાછળના ભાગમાં ગંભીર ઇન્ફેક્શન હતું. વોલ્ટરની ક્રૂરતાએ તેને પહેલેથી જ અંદરથી તોડી નાખી હતી. કોઈએ એ પણ વિચાર્યું નહીં કે જેને લોકો માત્ર મનોરંજન માટે રાખતા હતા, એ જીવ પણ દુઃખ અને પીડા અનુભવી શકે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે મેરી ગંભીર ઈન્ફેક્શનથી પીડાતી હતી અને યોગ્ય સારવારના અભાવે તેની હાલત વધુ બગડી હતી.

આજે પણ બિગ મેરીની તસવીરો જોતાં આંખ ભીની થઈ જાય છે. એક વિશાળ, નિર્દોષ હાથણી… જેને ફક્ત એટલા માટે મારી નાખવામાં આવી કારણ કે તેણે પોતાના દર્દનો બદલો લીધો.

મેરીનું શરીર રેલવે ટ્રેક પાસે જ દફનાવી દેવામાં આવ્યું. એ દિવસ પછી ઇર્વિન શહેર આ ઘટનાને ભૂલવા માંગે છે, પણ ફોટા અને વાર્તાઓ આજે પણ જીવંત છે. કેટલાક કહે છે કે મેરીએ રક્ષણ માટે પ્રતિક્રિયા આપી હતી, કેટલાક કહે છે કે તેને વર્ષોથી દુ:ખ સહન કરવું પડ્યું હતું.

આ કહાની સાંભળીને મન ભારે થઈ જાય છે ને? એક પ્રાણી જેને મનોરંજન માટે કેદ કરવામાં આવ્યો, અને એક ભૂલ પર તેને આટલી ક્રૂર સજા… આજે જ્યારે આપણે પશુ અધિકારો વિશે વાત કરીએ છીએ, તો મેરી જેવી કહાનીઓ આપણને યાદ અપાવે છે કે કેટલીક કહાનીઓ ક્યારેય ભૂલી શકાય નહી.

Back to top button