ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Video: બેંગલુરુમાં ‘ઝોમ્બી ડ્રગ’ ને લઈને ચિંતા વધી, એક વ્યક્તિ રસ્તા પર બેભાન હાલતમાં ઉભેલો જોવા મળ્યો

Zombie Drug: બેંગલુરુમાંથી સામે આવેલા એક વીડિયોએ ચિંતા વધારી દીધી છે, જેમાં એક વ્યક્તિ રસ્તા પર લાંબા સમય સુધી નિષ્ક્રિય રીતે ઉભેલો જોવા મળે છે. આ ઘટના ચંદીગઢમાં થોડા દિવસો પહેલા બનેલી સમાન ઘટનાની યાદ અપાવે છે, જ્યાં એક વ્યક્તિ કલાકો સુધી એક જ જગ્યાએ ઉભો રહ્યો હતો, જેના કારણે લોકોમાં ચિંતા અને ચર્ચા બંને વધ્યા હતા.

વીડિયોમાં બાગલુર વિસ્તારમાં એક કોલેજ નજીક રસ્તા કિનારે એક વ્યક્તિ એક જ જગ્યા પર લાંભા સમય સુધી ઉભેલો જોવા મળે છે. તે સંપૂર્ણ રીતે સ્થિર ઉભો છે અને આસપાસ થઈ રહેલી ઘટનાઓથી તેને કોઈ લેવાદેવા નથી. ત્યાંથી પસાર થતા લોકો તેને જોઈ રહ્યા છે, પરંતુ તે એ જ સ્થિતિમાં રહે છે.

આ વીડિયો X પર શેર કરવામાં આવ્યો છે, જેમાં પરિસ્થિતિને ચિંતાજનક ગણાવવામાં આવી અને દાવો કરવામાં આવ્યો હતો કે શહેરમાં “ઝોમ્બી ડ્રગ” આવી ગયું છે.

પોસ્ટમાં લખ્યું છે, “ચિંતાજનક! જીવલેણ ‘ઝોમ્બી ડ્રગ’ (ઝાયલેઝિન મળેલી દવા) જે વપરાશકર્તાઓને ગતિહીન અને બેભાન ઝોમ્બી બનાવે છે, તે હવે બેંગલુરુ પહોંચી ગયું છે. નિટ્ટે કોલેજ નજીક બાગલુરથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. માતા-પિતા, યુવાનો અને પોલીસને અત્યંત સાવચેત રહેવું જોઈએ. આ આપણા શહેર માટે ગંભીર ચેતવણી છે. બેંગલુરુ હવે ઉડતું બેંગલુરુ બની રહ્યું છે. બહુ મોડું થયા પહેલા, જાગો!”

જોકે, આ વ્યક્તિની સ્થિતિને આવા કોઈ પદાર્થ સાથે જોડવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તે વ્યક્તિ કોણ છે અને તેની આવી સ્થિતિનું કારણ શું છે તે પણ સ્પષ્ટ થયું નથી.

વીડિયો વાયરલ થતા જ બેંગલુરુના યેલાહાંકા પોલીસ સ્ટેશનના સત્તાવાર એકાઉન્ટે જવાબ આપ્યો, “સર, કૃપા કરીને તમારી ડીએમ વિગતો આપો.” બાદમાં તેમણે જણાવ્યું કે તેઓ આ મામલે તપાસ કરશે.

આ વીડિયા જોયા બાદ ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી. એક વ્યક્તિએ લખ્યું, “આ ડરામણું છે.” બીજા યુઝર્સે કહ્યું, “મને આશા છે કે તેને જરૂરી મદદ મળશે. આ એક દુષ્ચક્ર છે અને મને આશા છે કે કોઈને પણ આમાંથી પસાર થવું ન પડે.”

એક યુઝરે એમ પણ કહ્યું, “ઝોમ્બી ડ્રગ ઝાયલાઝિન છે, પરંતુ તેની અસરને વધારવા અને ખર્ચ ઓછો કરવા માટે તેને ફેન્ટેનાઇલ અથવા હેરોઈન સાથે મિક્સ કરવામાં આવે છે.” જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, “આપણે આપણા બાળકોને મિત્રો બનાવવા જ ન દઈએ તો સારું રહેશે. ખરાબ સંગત કરતાં એકલા રહેવું સારું.”

આ ઘટનાની તુલના ચંદીગઢમાં અગાઉ બનેલી ઘટનાથી કરવામાં આવી રહી છે., જ્યાં સેક્ટર 33B માં પાર્ક કરેલા વાહન પાસે એક ડિલિવરી વર્કર કથિત રીતે સ્થિર ઊભો જોવા મળ્યો હતો.

ઓનલાઇન પોસ્ટ અનુસાર, તે લગભગ બે કલાક સુધી એક જ જગ્યાએ સ્થિર રહ્યો. આસપાસના લોકોએ તેની હાલત જોઈ અને બાદમાં પોલીસને જાણ કરી. ત્યારબાદ તેને તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યો.

જોકે, લાંબા સમય સુધી સ્થિર ઉભા રહેવાના કોઈ સત્તાવાર કારણનો ખુલાસો નથી થયો. આ વીડિયો ઓનલાઈન વાયરલ થયા પછી, ઘણા લોકોએ તેને ડ્રગના ઉપયોગ સાથે પણ જોડ્યો, પરંતુ અધિકારીઓએ ક્યારેય આ દાવાઓની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો: Ceasefire News: તેલ, ગેસ, ભોજનથી લઈને ફ્લાઇટ ટિકિટ સુધી, જાણો ક્યાં શું થશે સસ્તું?

Back to top button