બોયફ્રેન્ડથી બચવા યુવતીએ રચી સામૂહિક દુષ્કર્મની ખોટી કહાણી, પોલીસે કૅબ ડ્રાઇવરની કરી ધરપકડ અને…

કર્ણાટક: 13 ડિસેમ્બર, 2025: બેંગલુરુમાં સામૂહિક દુષ્કર્મનો ખોટો આરોપ લગાવવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પોલીસ તપાસ પછી આ કેસ આપસી સહમતિથી બનેલા શારીરિક સંબંધોનો નીકળ્યો. કેરળની રહેવાસી 22 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થિનીએ 6 ડિસેમ્બરે પોલીસમાં ખોટી ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે, 2 ડિસેમ્બરની રાત્રે સર એમ. વિશ્વશ્વરૈયા રેલવે ટર્મિનલ નજીક કૅબ ડ્રાઇવર અને તેના મિત્રોએ તેનું સામૂહિક દુષ્કર્મ કર્યું હતું.
તપાસમાં થયો ખુલાસો
અહેવાલ અનુસાર, પોલીસે તુરંત સામૂહિક દુષ્કર્મનો કેસ નોંધ્યો અને કૅબ ડ્રાઇવરને તેના પૂર્વી બેંગલુરુ સ્થિત ઘરેથી પકડી પાડ્યો. બે બાળકોના પિતા ડ્રાઇવરે શરૂઆતથી જ દાવો કર્યો હતો કે તે નિર્દોષ છે અને સંબંધ બંનેની સહમતિથી બન્યો હતો. પોલીસે ઊંડી તપાસ શરૂ કરી, જેમાં વોટ્સએપ ચેટ, રિયલ-ટાઇમ લોકેશન ટ્રેકિંગ અને સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું.
તપાસમાં ખુલાસો થયો કે, 2 ડિસેમ્બર રાત્રે 11:30 વાગ્યાથી 3 ડિસેમ્બર સવારે 5:30 વાગ્યા સુધી યુવતી અને ડ્રાઇવર રેલવે સ્ટેશન પાસે સતત સાથે હતા. બંને પહેલાંથી એકબીજાને જાણતા હતા અને બંને કેરળના રહેવાસી છે. તેમણે આપસી સહમતિથી પાર્ટી પણ કરી હતી. સામૂહિક દુષ્કર્મનો કોઈ પુરાવો મળ્યો નહોતો અને ડ્રાઇવરના સાથીઓનું પણ કોઈ અસ્તિત્વ જણાયું નહીં. છોકરીને માત્ર ગરદન પર હળવી ખરોંચ હતી.
બોયફ્રેન્ડને જવાબ આપવા ખોટી ફરિયાદ
ત્યારબાદ પૂછપરછમાં છોકરીએ કબૂલ્યું કે, તેણે ખોટો સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. હકીકતમાં, તેના બોયફ્રેન્ડે ગરદન પરના નિશાન વિશે સવાલ કર્યા, તો તે ગભરાઈ ગઈ અને બોયફ્રેન્ડને જવાબ આપવા માટે આખી કહાણી ઘડી કાઢીને ફરિયાદ નોંધાવી દીધી.
હવે પોલીસ યુવતીનું આ નિવેદન નોંધીને બી-રિપોર્ટ (કેસ બંધ કરવાની રિપોર્ટ) તૈયાર કરી રહી છે. સાથે જ એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે તેણે જાણીજોઈને ખોટી અને ભ્રામક ફરિયાદ શા માટે નોંધાવી. કૅબ ડ્રાઇવરને મુક્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આ પણ વાંચોઃ મિત્રો સાથે મળીને મંગાવ્યો ઝેરીલો સાપ, ઘરે લાવીને પત્નીને કરડાવી કરી હત્યા, પતિ સહિત 4 ની ધરપકડ
આ પણ વાંચોઃ કોંગ્રેસે જાહેર કર્યા મોટા બુટલેગરોના નામ, એડ્રેસ અને દારૂ ઘુસાડવાનો સમય; જાણો કોણ છે આ ઇસમો












