ગુજરાતટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપ વિવાદ વચ્ચે બાંગ્લાદેશી અમ્પાયર ભારતમાં: BCBએ આપી સ્પષ્ટતા, જાણો શું છે સમગ્ર મામલો

વડોદરા: 11 જાન્યુઆરી, 2026: ભારત અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચે ચાલી રહેલા રાજકીય અને રમતગમતના તણાવ વચ્ચે એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. એક તરફ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ સુરક્ષા કારણોસર આગામી ICC T20 વર્લ્ડ કપ 2026 માટે પોતાની ટીમને ભારત મોકલવાનો ઇનકાર કર્યો છે, ત્યારે બીજી તરફ બાંગ્લાદેશી અમ્પાયર શરફુદૌલા ઇબ્ને શાહિદ સૈકત હાલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સિરીઝમાં ફરજ બજાવી રહ્યા છે.

વડોદરા વનડેમાં જોવા મળ્યા સૈકત

રવિવારે વડોદરાના BCA સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચમાં શરફુદૌલા સૈકત ટીવી અમ્પાયર (થર્ડ અમ્પાયર) તરીકે જોવા મળ્યા હતા. મુસ્તાફિઝુર રહેમાનને IPLમાંથી રિલીઝ કરવાના વિવાદ બાદ બાંગ્લાદેશે ભારત પ્રવાસનો બહિષ્કાર કરવાની વાત કરી હતી, ત્યારે તેમના જ અમ્પાયરને ભારતમાં જોઈને ક્રિકેટ જગતમાં અનેક સવાલો ઉભા થયા હતા.

BCB એ આપી સ્પષ્ટતા: NOC ની જરૂર નથી

આ મામલે સ્પષ્ટતા કરતા BCB ના અમ્પાયર વિભાગના અધ્યક્ષ ઇફ્તેખાર રહેમાને જણાવ્યું હતું કે, સૈકત ICC ના એલીટ પેનલના કોન્ટ્રાક્ટેડ અમ્પાયર છે. તેમણે કહ્યું કે, “સૈકત ICC ના કોન્ટ્રાક્ટ હેઠળ છે અને અમારી સાથે તેમનો કોઈ સીધો કોન્ટ્રાક્ટ નથી. જ્યારે પણ ICC ને તેમની સેવાની જરૂર હોય, ત્યારે તેઓ જવા માટે સ્વતંત્ર છે. અમારા જોબ કોન્ટ્રાક્ટ મુજબ, ICC ના અસાઇનમેન્ટ માટે તેમને કોઈ ખાસ NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ)ની જરૂર પડતી નથી.”

વર્લ્ડ કપમાં પણ આપી શકે છે હાજરી

શરફુદૌલા સૈકત અને ગાઝી સોહેલ આગામી T20 વર્લ્ડ કપમાં મેચ ઓફિશિયલ તરીકે સામેલ થાય તેવી પ્રબળ શક્યતા છે. ભલે બાંગ્લાદેશી ટીમ ભારતમાં રમવા અંગે અનિશ્ચિત હોય, પરંતુ તેમના અમ્પાયરો ICCના નિયમો મુજબ ભારત અને શ્રીલંકાના મેદાન પર મેચોનું સંચાલન કરતા જોવા મળી શકે છે.

 

Back to top button