દિલ્હીમાં શેખ હસીનાના કાર્યક્રમથી બાંગ્લાદેશ ભડક્યું, ભારત સામે સંપ્રભુતાના અપમાનનો આરોપ

Bangladesh outraged by Sheikh Hasina’s PC: રાજધાની નવી દિલ્હીમાં બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન Sheikh Hasinaના વર્ચ્યુઅલ મીડિયા સંબોધનને લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી એકવાર રાજદ્વારી તણાવ જોવા મળ્યો છે. બાંગ્લાદેશ સરકારે આ કાર્યક્રમ સામે કડક વાંધો ઉઠાવતા તેને દેશની સંપ્રભુતા અને લોકોની લાગણીઓનું અપમાન ગણાવ્યું છે.
બાંગ્લાદેશ સરકારનું કહેવું છે કે કાર્યક્રમ પહેલાં જ ભારત સરકારને વિનંતી કરવામાં આવી હતી કે શેખ હસીના અને તેમના સાથીઓને જાહેર મીડિયા કાર્યક્રમમાં બોલવાની મંજૂરી ન આપવામાં આવે. તેમ છતાં કાર્યક્રમ યોજાતા ઢાકાએ નિરાશા વ્યક્ત કરી છે.
5 ઓગસ્ટે સત્તા ગુમાવ્યાના બે વર્ષ પૂર્ણ થતાં શેખ હસીનાએ દિલ્હીના ફોરેન કરેસ્પોન્ડન્ટ્સ ક્લબમાં વર્ચ્યુઅલ રીતે પત્રકારોને સંબોધ્યા હતા. આ દરમિયાન તેમણે ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી અને યોગ્ય સમયે તારીખ જાહેર કરવાની વાત કરી.
બાંગ્લાદેશે ભારત પર લગાવ્યા આરોપ
બાંગ્લાદેશ સરકારના જણાવ્યા મુજબ, જુલાઈ 2024ની ઘટનાની વર્ષગાંઠ જેવા સંવેદનશીલ દિવસે ભારતીય ભૂમિ પરથી આ પ્રકારનું સંબોધન કરવું દેશની જનભાવનાઓને ઠેસ પહોંચાડે છે. સરકારનું માનવું છે કે આ ઘટનાથી બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસોને પણ અસર થઈ શકે છે.
ભારત તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખાનગી મીડિયા સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં સરકાર સીધો હસ્તક્ષેપ કરી શકતી નથી. તેથી આવા કાર્યક્રમોને રોકવાનો પ્રશ્ન ઉભો થતો નથી.
આ સમગ્ર ઘટનાને લઈને બંને દેશો વચ્ચે રાજદ્વારી ચર્ચાઓ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ‘કેન્દ્રીય મંત્રીઓએ મારો વિશ્વાસ તોડ્યો’, સોનમ વાંગચુકે અનશન તોડવાની રાતની સ્ટોરી વર્ણવી












