ખરાબ હવામાનથી અમરનાથ યાત્રા પર બ્રેક, વૈષ્ણોદેવી યાત્રા પણ પ્રભાવિત

Bad weather puts a brake on Amarnath Yatra: ભારત હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવ્યા બાદ જમ્મુ-કાશ્મીર પ્રશાસને સાવચેતીના ભાગરૂપે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 19 જુલાઈ 2026થી અમરનાથ યાત્રા અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે. આ નિર્ણય પહેલગામ અને બાલટાલ એમ બંને પરંપરાગત માર્ગો માટે લાગુ રહેશે.
યાત્રાળુઓને આગળ જવાની મંજૂરી નહીં
કાશ્મીરના ડિવિઝનલ કમિશનર અંશુલ ગર્ગે જણાવ્યું કે ખરાબ હવામાન અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને બાલટાલ તેમજ નુનવાન તથા ચંદનવાડી બેઝ કેમ્પમાંથી કોઈપણ યાત્રાળુને આગળ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હવામાન અને યાત્રામાર્ગોની સ્થિતિની સમીક્ષા બાદ જ યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.
આ વર્ષે અત્યાર સુધીમાં 3.7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે.
વૈષ્ણોદેવી યાત્રા પર પણ અસર
સતત વરસાદ અને ખરાબ હવામાનને કારણે માતા વૈષ્ણોદેવી યાત્રા પણ પ્રભાવિત થઈ છે. સુરક્ષાના કારણોસર પ્રશાસને યાત્રા રવિવાર સવાર સુધી અસ્થાયી રીતે રોકી દીધી છે. હાલ યાત્રાળુઓની અવરજવર બંધ રાખવામાં આવી છે અને હવામાનની સ્થિતિની સમીક્ષા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.
પ્રશાસને શ્રદ્ધાળુઓને માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવા, માર્ગદર્શિકાનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.
પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
IMD અનુસાર 19 જુલાઈએ ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં ચોમાસું સક્રિય રહેશે. અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, વીજળીના કડાકા અને જોરદાર પવનની શક્યતા છે.
સતત વરસાદને કારણે ભૂસ્ખલન, પથ્થર ધસી પડવાની ઘટનાઓ અને રસ્તા બંધ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી પર્વતીય વિસ્તારોમાં પ્રવાસ અથવા યાત્રા કરનાર લોકોને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.












