ગોંડલના ધારાસભ્યના પુત્ર સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, NSUIના પ્રમુખને કીડનેપ કરી માર માર્યો

જૂનાગઢ, 31 મે 2024, NSUI પ્રમુખનું ત્રણ કારમાં અપહરણ કર્યા બાદ ગોંડલના ‘ગણેશગઢ’ ખાતે લઈ જઈ આરોપીઓએ ભોગ બનનારને ઢોર માર મારીને તેનો વીડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી આપી હતી. ભોગ બનનારને ઢોર માર મારી જૂનાગઢમાં ઉતારી આરોપી નાસી છૂટ્યા હતા. આ મામલે ભોગ બનનાર દ્વારા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ સામે એટ્રોસિટી, હત્યાનો પ્રયાસ, અપહરણ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
કારમા આવેલા લોકોએ ઢોર માર માર્યો હતો
ભોગ બનનાર સંજય રાજુભાઈ સોલંકીએ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, હું અને મારો છોકરો 30 તારીખે રાત્રે કાળવા ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળુભાના પુતળા પાસે પહોંચતા પાછળથી એક ફોર વ્હિલ કાર એકદમ સ્પીડમાં આવેલ અને મારી નજીક પહોંચી બ્રેક મારી હતી. જેથી મેં કારચાલકને વ્યવસ્થિત ચલાવવાનું કહેતા તે લોકોએ ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો હતો. મારો છોકરો મારી સાથે હોવાથી મેં કહ્યું હતું કે, હું મારા છોકરાને ઘરે મૂકીને આવું છું. ત્યારબાદ હું મારી બાઈક લઈને ત્યાંથી રવાના થઈ ગયો હતો અને મારા ઘર પાસે પહોંચતા આ ફોર વ્હિલનો ચાલક અને તેની સાથે બીજી એક ફોર વ્હિલ મારી પાછળ મારા ઘર પાસે આવી હતી. આ બંને કારમાંથી આશરે દશેક માણસો નીચે ઉતર્યા હતા અને મારી સાથે ઝઘડો કરવાની તૈયારીમાં હતા તેવામાં મારા પિતા આવી ગયા હતા. આ કારમાં એક માણસ બેઠો હતો જે માણસને જોતા આ માણસ ગોંડલનો ગણેશ જયરાજસિંહ જાડેજા હતો અને તેની સાથે તેના બીજા માણસો હતા તેને હું ઓળખતો નથી.
ભોગ બનનારને મોટર સાયકલને ટક્કર મારી નીચે પછાડી દીધો
ભોગ બનનારે કહ્યું હતું કે,ગણેશ જાડેજાને મારા પિતા ઓળખતા હોવાથી અમારા વચ્ચે મારા પિતાએ સમાધાન કરાવેલ અને આ લોકો જતા રહ્યા હતા. ત્યારબાદ હું રાત્રિના સમયે મારા ઘર પાસેથી બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે આ લોકો ફરી પોતાની ફોર વ્હિલ કારમાં ધસી આવ્યા હતા અને અને મારી મોટર સાયકલને ટક્કર મારી મને નીચે પછાડી દીધો હતો. કારમાંથી પાંચેક શખ્સોએ નીચે ઉતરીને લોખંડના પાઈપ વડે મારવા લાગ્યા હતા.તેમાંથી પણ માણસો નીચે ઉતર્યા હતા અને મને ઉપાડીને કારમાં બેસાડી દીધો હતો અને કારને ગોંડલ બાજુ લઈ ગયા હતા. આ ઘટના અંગે ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, ગણેશ જાડેજા સહિતના 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.આરોપીઓ સામે એટ્રોસિટી, હત્યાનો પ્રયાસ, અપહરણ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.તે ઉપરાંત એલસીબી, એસઓજી સહિતની ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃભાજપના સાંસદે ફાયર NOC માટે 70 હજારની લાંચ આપી, કોંગ્રેસે કહ્યું રામ મોકરિયાની ધરપકડ કરો












