રાજ્યમાં વધુ એક BLOનું શંકાસ્પદ મોત: સુરતમાં ફરજ દરમિયાન મહિલા અધિકારી ઢળી પડ્યા, રહસ્ય ઘેરાયું

ગુજરાતમાં બૂથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરી (SIR)ના વધતા ભારણની ચર્ચાઓ વચ્ચે વધુ એક દુઃખદ અને રહસ્યમય સમાચાર સુરતમાંથી સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને ચૂંટણીલક્ષી કામગીરીમાં BLO તરીકે નિમાયેલા ડિન્કલબેન શીંગોડાવાળાનું શંકાસ્પદ સંજોગોમાં નિધન થયું છે, જેના કારણે તેમના પરિવાર અને વહીવટી વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
બાથરૂમમાંથી બેભાન મળી આવ્યા
આ દુઃખદ ઘટના સુરત નજીક ઓલપાડના માસમા ખાતે બની હતી. માહિતી મુજબ, મૃતક અધિકારી ડિન્કલબેન શીંગોડાવાળા પોતાના ઘરે બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડિન્કલબેન સુરત મનપાના વરાછા ઝોનમાં ફરજ બજાવતા હતા અને શાહપોર બૂથના BLO તરીકેનું 45% જેટલું કામ તેમણે પૂર્ણ કરી દીધું હતું.
મોત પાછળનું રહસ્ય: ગેસ ગીઝર કે કામનું ભારણ?
યુવાન મહિલા અધિકારીના આકસ્મિક મોતના કારણે અનેક સવાલો ઊભા થયા છે. સુરત ઉત્તરના પ્રાંત અધિકારી અને ERO નેહાબેને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના ગેસ ગીઝર સાથે સંકળાયેલી હોઈ શકે છે. તેમના મતે, “બાથરૂમમાં વેન્ટિલેશન વિનાનું ગેસ ગીઝર હતું, જેના લીધે તેઓ બાથરૂમમાં જ બેભાન થઈ જતાં આ દુર્ઘટના બની હોવાનું જણાઈ રહ્યું છે.” જોકે, પરિવારજનો અને શિક્ષક આલમમાં એવી પણ ચર્ચા છે કે ચૂંટણીલક્ષી કામગીરી (SIR)ના સતત અને વધતા કામના ભારણ હેઠળના તણાવે આ ઘટનામાં ભૂમિકા ભજવી હોઈ શકે છે.
જામનગરમાં પણ શિક્ષિકા બેભાન
સુરતની આ દુર્ઘટના સાથે જ રાજ્યમાં BLOની ફરજનું ભારણ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જામનગર જિલ્લામાં પણ 79-વિધાનસભા વિસ્તારમાં ફરજ બજાવતા શિક્ષિકા હિરલબેન ત્રિવેદી ચાલુ ફરજ દરમિયાન ચક્કર આવીને બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમની તબિયત સુધારા પર છે.
સુરત અને જામનગરની આ બંને ઘટનાઓએ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ અને શિક્ષકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, જેનું ચોક્કસ કારણ શોધવું અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ પોલીસ અને વહીવટી વિભાગ માટે હવે પ્રાથમિકતા બની છે.












