અમૂલ ડેરી દ્વારા મીઠા ઉદ્યોગમાં નવી ક્રાંતિ: કચ્છથી વૈશ્વિક બજાર સુધી આ મીઠું પહોંચ છે

અમદાવાદ 6 જુલાઈ 2025: અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વી.કે. હુંબલ દ્વારા આજે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના અગરિયાઓના જીવનમાં ક્રાંતિકારી ફેરફાર લાવવા માટે અમૂલ મીઠા સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી રહી છે. આ સહકારી મંડળી દ્વારા કચ્છ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં મીઠું પકવનારા અગરિયાઓ માટે નવા આર્થિક અવસર ઉભા કરાશે.
મીઠાનું વ્યાવસાયીકરણ અને વૈશ્વિક સ્તરે માર્કેટિંગ હાંસલ કરવા માટે આ યોજના અંતર્ગત સરહદ ડેરીના નેજા હેઠળ નવી શ્વેત ક્રાંતિની શરૂઆત કરવામાં આવશે. આગલા ૧૫ દિવસમાં સહકારી મંડળી કાર્યરત થવાની તૈયારી છે.
હાલમાં ૩૫ પૈસા પ્રતિ કિલોના ભાવે પોતાનું મીઠું વેચતા અગરિયાઓને હવે ૮થી ૧૦ ગણા વધુ ભાવ મળી શકે તેવી શક્યતા છે. એટલું જ નહીં, મીઠાના પ્લોટ ધરાવનારને પણ એક રૂપિયાના બદલે હવે પાંચથી છ રૂપિયા પ્રતિ કિલો મળવાની ધારણા છે.
અમૂલ ફેડરેશન હવે ટાટા અને આશીર્વાદ નમકની જેમ કચ્છના મીઠાને વૈશ્વિક બજારમાં પહોંચાડશે. સમગ્ર બ્રાન્ડિંગ, પેકિંગ અને માર્કેટિંગની જવાબદારી અમૂલ સંભાળશે, જેથી ગુજરાતના પરંપરાગત મીઠા ઉદ્યોગને નવી ઓળખ મળશે.
અગરિયાઓ માટે આ પહેલ આશાની કિરણ ઊભી કરી છે. જો આ યોજના સફળ જાય છે તો માત્ર કચ્છ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના મીઠા ઉત્પાદકોને સીધો લાભ મળશે, અને તેમની આવકમાં લક્ષણીય વધારો થવાની શક્યતા છે.
આ પણ વાંચો: કુલ્લુમાં મોટો રોડ અકસ્માત, 4 લોકોના અવસાન; 1 વ્યક્તિ ઘાયલ











