અમરેલીના લીલીયામાં સિંહણનો ઇલેક્ટ્રિક શોક આપી શિકાર: બે ઝડપાયા

અમરેલી, તા. 18 ઓક્ટોબર, 2025: અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં સિંહણના મોત મામલે વન વિભાગે બે આરોપીઓની ધરપકડ કરી હતી. કણકોટ ગામ નજીક ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિક શોક આપીને સિંહણનો શિકાર કરાયા હતો. ત્યારબાદ મૃતદેહને વાહનમાં ભરીને કાચા માર્ગે ફેંકી દઈ પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો.
ત્રણ દિવસ પહેલા કણકોટ નજીક રેવન્યુમાંથી એક સિંહણનો મૃતદેહ મળ્યો હતો. વન વિભાગ દ્વારા પેનલ પીએમ કરાવતા મૃતદેહ પર ઇલેક્ટ્રિક શોકના નિશાન મળ્યા હતા, જેનાથી વન વિભાગ ચોંકી ઉઠ્યું હતું. શેત્રુંજી ડિવિઝનના એસીએફ વિરલ ચાવડા અને આરએફઓ ગલાણી સહિતની ટીમોએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.સિંહણના મોત અને પુરાવા નષ્ટ કરવાના ગુનાની તપાસ માટે લીલીયા રેન્જની 35 થી 40 કર્મચારીઓની ટીમો કામે લાગી હતી. આ ટીમોએ 600 થી વધુ રેવન્યુ સર્વે નંબરોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને ખેતરોમાં ગેરકાયદેસર જીવંત ઇલેક્ટ્રિક શોર્ટની તપાસ કરી હતી.
વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની મદદથી મોબાઈલ ટાવર ડમ્પ ડેટાની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન આંબા ગામના 32 વર્ષીય જયરાજભાઈ રામકુભાઈ બોરીચા અને તેમના ભાગીયા ખેતમજૂર સરદારભાઈ કલ્યાણભાઈ બધેલની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી.પૂછપરછમાં બંને આરોપીઓએ કબૂલ્યું કે તેમણે પોતાના ખેતરની ફરતે ગેરકાયદેસર ઇલેક્ટ્રિક શોર્ટ મૂક્યો હતો, જેના કારણે સિંહણનું મોત થયું હતું.












