“મુજે મેરી બીવી દીલાઓ…”, બે વાર વરરાજા બન્યો, પણ દુલ્હનો ગાયબ થઈ ગઈ

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક યુવાન સાથે લગ્નના નામે બે વાર છેતરપિંડી થઈ. વચેટિયાઓએ તેના લગ્ન બે મહિલાઓ સાથે ગોઠવી દીધા હતા, પરંતુ બંને ઘરેણાં અને રોકડ રકમ લઈને ભાગી ગઈ હતી. પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે.
લગ્નના નામે બે વાર છેતરાયો
એક માણસ અલીગઢની શેરીઓમાં તેની પત્નીનો ફોટો લઈને ફરતો હતો. પસાર થતા લોકો તે યુવાનના દેખાવથી આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે કેટલાક લોકોએ તેને પૂછ્યું, ત્યારે તેણે પોતાની કષ્ટભરી પરિસ્થિતિ જણાવી. વાસ્તવમાં, તે માણસ લગ્નના નામે બે વાર છેતરાયો હતો, જેમાં તેણે લાખો રૂપિયા ગુમાવ્યા હતા. આ ઘટના ઉત્તર પ્રદેશના અલીગઢની છે.
પીડિત યુવકનું નામ હરિજ્ઞાન સિંહ છે. તેની ઉંમર 30 વર્ષ છે. હરિજ્ઞાન દિલ્હીની એક હોટલમાં કામ કરે છે. તેણે લગ્નજીવન શરૂ કરવા માટે પોતાની પૂર્વજોની મિલકત પણ દાવ પર લગાવી દીધી, પરંતુ બદલામાં તેને ફક્ત દગો, આર્થિક નુકસાન અને માનસિક વેદના જ મળી. લગ્નના નામે તેની સાથે એક વાર નહીં, પણ બે વાર ચિટીંગ કરવામાં આવ્યું હતુ.
લગ્નના નામે 1.20 લાખ વસુલ્યા
હરિજ્ઞાનના જણાવ્યા મુજબ, એક દંપતી અને તેના ગામના બીજા એક યુવકે તેનો સંપર્ક કર્યો હતો અને લગ્ન કરાવી આપવાનું વચન આપ્યું હતુ. શરૂઆતમાં લગ્નના નામે તેની પાસેથી 1.20 લાખ વસૂલવામાં આવ્યા. પૈસા ભેગા કરવા માટે, તેણે એક વિઘા જમીન પણ વેચી દીધી, જેમાં તેને 4.5 લાખ મળ્યા. વચેટિયાઓએ તેના લગ્ન બુલંદશહેરની ગીતા નામની મહિલા સાથે ગોઠવ્યા. પરંતુ લગ્ન બાદ, ગીતા તેની સાથે માત્ર એક રાત જ રહી. બીજા દિવસે સવારે લગભગ ચાર વાગ્યે, તે સોનાની બુટ્ટીઓ, ચાંદીની પાયલ અને અન્ય ઘરેણાં લઈને ભાગી ગઈ.
જ્યારે હરિજ્ઞાન અને તેના ભાઈ રાજુએ વચેટિયાઓ પાસેથી પૈસા પાછા માંગ્યા, ત્યારે તેમને માર મારવામાં આવ્યો. હુમલાનો રિપોર્ટ પણ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ગ્રામજનોની દરમિયાનગીરીથી પરિસ્થિતિ ઉકેલાઈ ગઈ હતી.
બિચોલિયાઓએ બીજા લગ્નની લાલચ આપી
માત્ર ચાર મહિના પછી એ જ બિચોલિયાઓએ ફરી આવીને બીજા લગ્નની લાલચ આપી. આ વખતે બુલંદશહરની જ રિંકુ દેવી સાથે લગ્ન કરાવવાના નામે 1.50 લાખ વધુ લઈ લીધા. રિંકુ ત્રણ દિવસ સુધી ઘરે રહી, પછી “બીમાર છું” કહીને પોતાના ભાઈને બોલાવવા કહ્યું. જ્યારે તેણીનો ભાઈ આવ્યો તો રિંકુએ તેના તથાકથિત ભાઈ સાથે દિલ્હી જવાનું કહ્યું અને રોકડ રકમ, દાગીના તથા ઘરનો કેટલોક સામાન લઈને બંને ગાયબ થઈ ગયા. તે પછી આજદિન સુધી તેની કોઈ ખબર નથી.
બે લગ્નો અને વચેટિયાઓની છેતરપિંડી વચ્ચે હરિજ્ઞાને કુલ 2.70 લાખ રૂપિયા ગુમાવ્યા. તેની જમીન વેચવાથી મળેલા પૈસા પણ ખતમ થઈ ગયા અને ઉપરથી બંને દુલ્હનોએ દાગીના-રોકડ પણ લૂંટી લીધા.
“મુજે મેરી બીવી દીલાઓ…”
હરિજ્ઞાન મહિનાઓથી ચંડૌસ પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આખરે તેણે એક મોટું પોસ્ટર બનાવડાવ્યું જેમાં લખ્યું છે – “મુજે મેરી બીવી દીલાઓ…”. આ પોસ્ટર હાથમાં લઈને તે અલીગઢની ગલીઓમાં ફરવા લાગ્યો અને લોકોને પોતાની વ્યથા કહેવા લાગ્યો. તે કહે છે, “મેં મારી જમીન ગુમાવી, પૈસા ગુમાવ્યા, પણ કમ સે કમ મારી પત્ની તો પાછી મળે. મને ફક્ત ન્યાય જોઈએ છે.”
મુખ્ય વચેટિયોઓ એ જ દંપતી અને ગામનો એક યુવાન હોવાનું કહેવાય છે, જેમણે લગ્ન ગોઠવવાના નામે લોકો પાસેથી મોટી રકમ પડાવી હતી. બંને દુલ્હનો, ગીતા અને રિંકુ દેવીને બુલંદશહેરથી લાવવામાં આવી હતી. દુલ્હનના ભાઈ અથવા યુવાનના સાથીએ પણ તેમના ભાગી જવામાં ભૂમિકા ભજવી હોવાની શંકા છે.
હરિજ્ઞાને SSP નીરજ જાદૌનને પણ લેખિત ફરિયાદ આપી છે. CO ગભાના ધનંજય સિંહે જણાવ્યું કે, કેસની તપાસ ચાલુ છે અને જલ્દી જ ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હજુ સુધી ન તો બંને મહિલાઓનો કોઈ પત્તો લાગ્યો છે અને ન તો મુખ્ય બિચોલિયાઓ પકડાયા છે.
આ પણ વાંચો: “જો એરલાઇન્સ વ્યવસ્થામાં નિષ્ફળ ગઈ હોય, તો સરકારે શું કર્યું?” હાઇકોર્ટે કેન્દ્રને કર્યો પ્રશ્ન












