ગુજરાતમાં હેડ એન્ડ નેક કેન્સરના કેસના પ્રમાણમાં ચિંતાજનક વધારો

- તમાકુનું સેવન કરવાથી હેડ એન્ડ નેકના કેન્સરના કેસમાં વધારો
- હાલ કેન્સરના જે કેસ નોંધાય છે તેમાંથી 30થી 35 ટકા હેડ એન્ડ નેક કેન્સરના કેસ
- મોં અને ગળાના કેન્સરના કેસના 50% દર્દી 50 વર્ષથી ઓછી વયના
ગુજરાતમાં હેડ એન્ડ નેક કેન્સરના કેસના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. હાલ કેન્સરના જે કેસ નોંધાય છે તેમાંથી 30થી 35 ટકા હેડ એન્ડ નેક કેન્સરના કેસના સંબધિત હોય છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (જીસીઆરઆઇ) ખાતે છેલ્લાં 5 વર્ષમાં 77.650 દર્દીઓએ અહીં સારવાર મેળવી હતી, જેમાંથી 25,408 એટલે કે 33% મોં અને ગળાના કેન્સરના દર્દીઓ હતા.
‘વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે 27 જુલાઈના ઊજવવામાં આવે છે
વિશ્વમાં વધી રહેલા મોં અને ગળાના કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા, લોકોને વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા પ્રેરિત કરવા તથા મોં અને ગળાના કેન્સરની ઉપલબ્ધ સારવાર અંગે માહિતી પૂરી પાડવામાં ઉદ્દેશ સાથે ‘વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે 27 જુલાઈના ઊજવવામાં આવે છે. 50થી ઓછી વયે હેડ એન્ડ નેકના કેન્સરના કેસનું ગુજરાતમાં પ્રમાણ બે દાયકા અગાઉ 36.5 ટકા હતું અને તે હવે વધીને 47.4 ટકા થયું છે.
તમાકુનું સેવન કરવાથી હેડ એન્ડ નેકના કેન્સરના કેસમાં સતત વધારો
માવા, બીડી, સિગારેટ, ગુટખા એમ વિવિધ રીતે તમાકુનું સેવન કરવાથી હેડ એન્ડ નેકના કેન્સરના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તમાકુનું સેવન યુવા વયે કરનારા વધી રહ્યા છે અને આ કારણે નાની વયે જ હેડ એન્ડ નેકના કેન્સરના કેસનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં હેડ એન્ડ નેક કેન્સરના જે કેસ નોંધાયા છે તેમાંથી 80 ટકામાં પુરુષ દર્દી હતા. આ ઉપરાંત 30-39ની વયજૂથમાં પુરુષ દર્દીમાં હેડ એન્ડ નેક કેન્સરના કેસનું પ્રમાણ 2005માં 12.3 ટકા હતું, જે 2024માં વધીને 17.2 ટકા થયું હતું.
આ પણ વાંચો: બનાસકાંઠાના વડગામમાં જળબંબાકાર, 7 કલાકમાં 9 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું












