બનાસકાંઠાના વડગામમાં જળબંબાકાર, 7 કલાકમાં 9 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું
- હવામાન વિભાગ વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો
- ભારે વરસાદ ખાબકી જતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે હવામાન વિભાગ વિભાગ દ્વારા પણ વિવિધ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લો પણ સામેલ હતો. ત્યારે બનાસકાંઠાના જ વડગામની વાત કરીએ તો અહીં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર સાત કલાકના ગાળામાં 9 ઈંચ વરસાદ ખાબકી જતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.
બનાસકાંઠા જિલ્લામાં આવતા છાપીમાં પણ વરસાદે ધોધમાર બેટિંગ કરી
બનાસકાંઠા જિલ્લામાં આવતા છાપીમાં પણ વરસાદે ધોધમાર બેટિંગ કરી હતી. હાઇવે પણ પાણીમાં ડૂબી ગયા હતા. છાપી હાઇવે પર આવેલી દુકાનો, હોટેલમાં પણ પાણી ફરી વળ્યા હતા. હાઇવે પર વધારે પડતું પાણી ભરાઇ જવાથી ધારેવાડાથી લઈને પાલનપુરથી ચક્કાજામની સ્થિતિ સર્જાતા અનેક વાહનો ફસાયા હતા. માહિતી અનુસાર મોડી રાતથી ભારે વરસાદનો દોર ચાલુ રહેતા ખેતરો, માર્ગો, દુકાનો અને મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. એક મકાન ધરાશાયી થયાના અહેવાલ પણ સામે આવ્યા છે. જોકે તેમ છતાં તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. વરસાદ બાદ પાણી ભરાયાની સ્થિતિનો સામનો કરવામાં તંત્ર બેદરકાર દેખાયું. જેને લઇને લોકોમાં રોષની સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી અને રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા હતા. ધારેવાડા અંડરપાસમાં બસ અને કાર ડૂબી જતાં લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા , અરવલ્લી, સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે બનાસકાંઠા , અરવલ્લી, સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 7.52 ઈંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લીના મોડાસામાં 24 કલાકમાં 6.22 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સાબરકાંઠાના તલોદમાં 5.31 ઈંચ અને પાટણના સિદ્ધપુરમાં 5.16 ઈંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 38 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.












