અમદાવાદ: લૂંટ કરવાના ઇરાદે આવેલા “બુટ” ચોરી ગયા: શેલાની સ્કાય સિટી ટાઉનશીપ, વર્નિશ બંગલા ખાતે લુખ્ખાઓનો ત્રાસ

27 એપ્રિલ 2025 અમદાવાદ: શેલા ખાતેની સ્કાય સીટી ટાઉનશીપ અને વર્નિશ બંગલો ખાતે અવાર નવાર અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક વખત સોસાયટીના મેનેજર અને સિક્યુરિટીની મિલી ભગતથી લૂંટ કરવાના ઇરાદે આવેલા બંગલો માલિકના “બુટ” ચોરી ગયા હોવાનું હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. જોકે આ મામલે પોલીસને જાણ થતા બોપલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરી હતી.
પકડાઈ જવાનો ડર લાગતા ‘બુટ’ ચોરી ગયા
પ્રાપ્ત થતી વિગતો મુજબ શેલા ખાતે સ્કાય સિટી ટાઉનશીપ અને વર્નિશ બંગલો ખાતે સિક્યુરિટી ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે. કારણ કે થોડા દિવસ પહેલા પણ સોસાયટીમાં કામ કરતા ઘરઘાટીઓ વચ્ચે મારામારીના બનાવ બન્યા હતા જેનો વિડીયો વાયરલ થતાં મોડી રાત્રે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ એક્ટિવ થયા હતા અને તાત્કાલિક ધોરણે એલસીબી અને બોપલ પોલીસની ટીમને ત્યાં રવાના કરી હતી. આ મામલે 11થી વધુ આરોપીઓની ધરપકડ કરી પોલીસે પાઠ ભણાવ્યો હતો. ત્યારે ફરી એક વખત આ સોસાયટીમાં લૂંટ કરવાના ઇરાદે આવેલા અમુક ઈસમો સેન્સર લાઈટ ચાલુ થતા તેમને પકડાઈ જવાનો ડર લાગતા અંતે બંગલો માલિકના બુટ ચોરી કરી ગયા હોવાનું હાસ્યસ્પદ કારસ્તાન સામે આવ્યું છે. જે મામલે પણ બોપલ પોલીસની ટીમ પહોંચીને તપાસ શરૂ કરી હતી.
સેન્સર લાઈટ ચાલુ થતા ચોરો લૂંટ કરવામાં નાકામ
સોસાયટીના સભ્યએ HD ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રાત્રે 2 વાગે ચોરો આવ્યા હતા. તેઓ ચોરી તથા લૂંટ કરવામાં નાકામ સાબિત થયા હતા. આ વિસ્તાર વસ્તીથી ગીચો ગીચ ભરેલો છે. તેથી તેમને પ્રાથમિક સુરક્ષા અને સુવિધા મળી રહે તે સૌથી વધારે મહત્વનું છે. વારંવાર બનતા આવા બનાવોમાં સોસાયટીની સિક્યુરિટીની ઉપર ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે સોસાયટીના મેનેજરને પણ સોસાયટીના સભ્યો દ્વારા ફરિયાદો કરવા છતાં સિક્યુરિટીને દૂર કરવાનાં કોઈ જ પ્રકારના નિર્ણયો લેવાતા નથી. તથા સુરક્ષા પ્રબંધને લઈને મેનેજરોને કોઈ રસ જ ન હોય અથવા તો આવી ઘટનાઓથી તેમના અંગત ફાયદા હોય, અથવા પોતે સોસાયટીના સભ્યોને પરેશાન કરવા માંગતા હોય તેથી સિક્યુરિટી સાથે મળીને જાણી જોઈને આવી બેદરકારી રાખવા માંગતા હોય તેવું હાલ લોકોને લાગી રહ્યું છે.

વારંવાર બનતી ઘટના; મેનેજર, સિક્યુરિટી શંકાના દાયરામાં
અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવમાં રાતે 2 વાગ્યાની આસપાસ ઘણા સમય સુધી ચોરો ફરી રહ્યા હતા. ત્યારે સિક્યુરિટીએ કેમ કોઈ પગલા ન લીધા? અથવા સિક્યુરિટી ક્યાં હતી? વારંવાર બનાવ બનવાની સાથે સિક્યુરિટી ઉપર કોઈ પગલાં ન લેવાતા સ્કાય સિટી ટાઉનશીપ તથા વર્નિશ બંગલોનાં મેનેજર ઉપર પોલીસ દ્વારા કોઈ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે કે નહીં તે જોવાનું રહ્યું, કારણકે કોઈ મોટી ઘટના બને તે પહેલા સિક્યુરિટીને બદલી સુરક્ષા અને શાંતિનું પ્રબંધ કરવામાં આવે તેવી તમામ મેમ્બરોની માંગણી છે.











