અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

Ahmedabad Rains: અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘો મંડાયો, તંત્રની લોકોને રિવરફ્રન્ટ વોકવે પર ન જવા અપીલ

અમદાવાદ, તા. 7 સપ્ટેમ્બર, 2025: અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. શહેરના બાપુનગર, નિકોલ, નરોડા, ઓઢવ, પ્રહલાદનગર, પંચવટી, ઈન્ડિયાકોલોની, બોપલ, શ્યામલ ચાર રસ્તા, મણિનગર, ઈસ્કોન, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, રાણીપ, ન્યુ રાણીપ, સાયન્સ સીટી, ગોતા, ઓગણજ, એસપી રીંગ રોડ જેવા વિસ્તારોમાં દોઢથી લઈ પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પર ભરાઈ ગયા છે. કોતરપુર, સરદારનગર, મેમનગર, એસજી હાઇવે જોધપુર, સરખેજ, હેલ્મેટ સર્કલ, કાલુપુર, જમાલપુર શાહપુર, દુધેશ્વર અને અસારવામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

ધરોઈ ડેમમાંથી આશરે 95,000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સંત સરોવરમાંથી 22,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેમાંનું 90,000થી વધુ ક્યુસેક પાણી અમદાવાદમાં આજે બપોર સુધીમાં આવશે. જેથી તંત્ર દ્વારા સાબરમતી નદી કિનારે અથવા તો રિવરફ્રન્ટના વોકવે પર ન જવા અપીલ કરવામાં આવી હતી. વાસણા બેરેજના 28 દરવાજા અત્યારથી જ ખોલી દેવામાં આવ્યા છે.

અમદાવાદમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. શહેરમાં ચોમાસાની સિઝનનો સામાન્ય રીતે 35 ઇંચ વરસાદ પડતો હોય છે, જ્યારે આ સિઝનમાં અત્યાર સુધીમાં 37 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. આ વખતે સિઝનમાં સૌથી વધુ 43.78 ઇંચ વરસાદ દક્ષિણ ઝોનમાં પડ્યો છે. જ્યારે પૂર્વમાં 41.45 ઇંચ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા ૭ સપ્ટેમ્બરના રોજ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઇપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં ૧૨ NDRF અને ૨૦ SDRFની ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે, એક NDRFની ટીમને વડોદરા ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ કપરાડામાં 24 કલાકમાં 10.51 ઇંચ વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો

Back to top button