અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો વિરોધ; NAAC ટીમની વિઝિટમાં હાજર રહેલા પ્રોફેસરોને 50 લાખ રૂપિયા આપતા NSUIએ કર્યો ઘેરાવ

1 મે 2025 અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીને NAACમાં A પ્લસ ગ્રેડ મળ્યા બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેટલાક અધિકારીઓને કર્મચારીઓને 10 હજારથી લઈને 5 લાખ સુધીના પ્રોત્સાહન સ્વરૂપે અલગ અલગ રકમ આપવામાં આવી છે જેમાં યુનિવર્સિટીના કુલપતિ દ્વારા 50 લાખ જેટલી રકમ આપવામાં આવી છે. જે વિવાદને લઈને NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા કુલપતિના નિવાસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ઘરની અંદર ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટક કરવામાં આવી હતી.
રૂપિયા પાછા લઈને વિદ્યાર્થીઓમાં હિતમાં વાપરવા માંગ
NSUI કાર્યકર્તા વિક્રમસિંહ ગોહિલે HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે NAACમાં A પ્લસ બ્રેડ મળ્યા બાદ કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા બાદ કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલી ફીના રૂપિયામાંથી અલગ અલગ કર્મચારીઓને 10 હજારથી લઈને 50 લાખ સુધીના પ્રોત્સાહન આપવામાં આવ્યા છે. જે અયોગ્ય છે કુલપતિ મનસ્વી રીતે નિર્ણય ન કરી શકે. આ તમામ રૂપિયા અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી પાછા લઈને યુનિવર્સિટીના વિકાસ કાર્ય તથા વિદ્યાર્થીઓના હિતમાં વાપરવા જોઈએ. તમામ કાર્યકર્તાઓ પોસ્ટરો અને નારા સાથે કુલપતિના નિવાસ્થાનની બહાર વિરોધ નોંધાવતા કાર્યકરો બંગલાના ગેટ ઉપર ચડવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ દ્વારા ખેંચીને નીચે ઉતારવામાં આવ્યા હતા.
જોકે આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે પ્રોત્સાહન આપવું એ કંઈ ખોટું નથી! પરંતુ કેટલાક લોકોને અસંતોષ થવાથી આ વિષયને મુદ્દો બનાવી રહ્યા છે.












