અમદાવાદ: નર્મદા યોજના પેટે પડોશી રાજ્યો પાસે 7500 કરોડ રૂપિયાના લેણા મુદ્દે PM હસ્તક્ષેપ કરે; 93% કાર્ય કોંગ્રેસે પૂર્ણ કર્યું હતું

21 ઓગસ્ટ 2025 અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ કેબીનેટ મંત્રી જયનારાયણ વ્યાસ દ્વારા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા મુદ્દે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલના ઓર્ડરના ઓર્ડરની 45 વર્ષની અવધી પૂર્ણ થઈ ગયેલી છે છતાં ગુજરાત સરકાર કુંભકર્ણની નિંદ્રામાં હોય એવુ લાગી રહ્યું છે. નર્મદા યોજના પેટે ગુજરાતના પડોશી રાજ્યો પાસે 7500 કરોડ રૂપિયાના લેણા માટે હસ્તક્ષેપ કરે તેવી માંગ કરી છે. કારણ કે નર્મદા યોજનાના પાયાથી લઈને 93% કાર્ય કોંગ્રેસની સરકારો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. આ યોજના છેલ્લે 2000ની સાલ સુધી સમગ્ર ગુજરાતની હતી પરંતુ ભાજપે આ જશ પોતાના ખાતામાં નાખવાની સંકુચિત રાજનીતિ અપનાવી છે.

ભવિષ્યમાં ખેતરો સુધી પાણી પાણી નહીં પહોંચે
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં જે રીતે નર્મદા યોજનાના નામે રાજનીતિ થઈ અને એનો રાજકીય જશ ખાટવા માટેની જે ઘેલછા છે એના માટેના જે પ્રયત્નો થયા એ બધુ જ અમે કર્યું છે એવી ઘેલછા અને પ્રયત્નોના કારણે એનો મૂળભૂત હેતુ હતો કે છેવાડાના ખેતર સુધી પાણી પહોંચે એ મુળ હેતુ આજે પણ પૂર્ણ થયેલ દેખાતો નથી. આજે પણ અનેક શાખાઓના કામો બાકી છે. જે પણ કેનાલો બની છે એમાં મોટા પાયે ગાબડા પડે છે અને એના કારણે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે કારણ કે નર્મદા યોજનામાં ગુજરાતને જે નવ મીલીયન એકર ફીટ પાણી આપવાનું હતું તેમાંથી આઠ મીલીયન એકર ફીટ પાણીનું સિંચાઈ માટેનો ઉપયોગ થવો જોઈતો હતો. તે આજે પણ થઈ શકતો નથી. પાણીનો ક્યાંક વેડફાટ થઈ રહ્યો છે, એનું બીજી જગ્યાએ ઉપયોગ પણ થઈ રહ્યો છે, એના કારણે એવી સ્થિતીનું નિર્માણ થયું છે કે, ભવિષ્યમાં કચ્છ, બનાસકાંઠા છેવાડાના વિસ્તારોના ખેતરો સુધી પાણી પહોંચાડવાનો ખુબ મોટો પ્રશ્ન ઉપસ્થિત થવાનો છે.

એક ગુજરાતી તરીકે PM તાત્કાલિક કાર્યવાહી કરાવે
તેમણે ઉમેર્યું હતું કે આ વિષય પર એટલા માટે આપ સૌની સમક્ષ આવવુ પડ્યું કે, ગુજરાતની સરકાર અને દેશમાં બેઠેલા ગુજરાતના વડાપ્રધાન નર્મદા યોજના માટે દુર્લક્ષ્ય સેવી રહ્યાં છે. ગુજરાત સરકાર કુંભકર્ણની નિંદ્રામાં હોય એવુ લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખવામાં આવેલ છે અને પત્રના માધ્યમથી નર્મદા વોટર ડીસ્પ્યુટ ટ્રીબ્યુનલ (NWDT) દ્વારા 12 ડીસેમ્બર 1979ના રોજ જે ઓર્ડર જાહેર કરવામાં આવ્યો, જે નિર્ણય થયો કે એ ઓર્ડર 45 વર્ષ સુધી બંધનકર્તા રહેશે. એમા ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર રાજ્યોને જે હિસ્સો આપવાનો છે તેનાથી લઈ અને આ એવોર્ડ મુજબ જે પાણીનું વિતરણ થવાનું હતું અને હિસ્સેદારી નક્કી થયેલ હતી તથા પુનઃ વસનથી લઈને અનેક બાબતોને લઈને આ ઓર્ડર એવોર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ 1979માં જે ઓર્ડર થયો હતો તે 45 વર્ષ માટે થયો હતો. તે ઓર્ડરના 2024માં 45 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આજે ઓગષ્ટ 2025ના દિન સુધી નવો કોઈ ઓર્ડર કરવામાં આવ્યો નથી કે તેની તજવીજ પણ કરવામાં આવી નથી. ના તો રાજ્ય સરકારે કોઈ પ્રયત્ન કરેલા છે ના તો કેન્દ્ર સરકારે કોઈ પ્રયત્ન કર્યા છે. ત્યારે વડાપ્રધાનને પત્ર લખીને માંગણી કરી છે કે ગુજરાતમાંથી વડાપ્રધાન હોય, તેવો ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નર્મદા યોજનાના અનેક રાજકીય એજન્ડા સાથેના કાર્યક્રમોમાં ભાગ લીધેલ હોય, આગેવાની કરેલ હોય ત્યારે તેમની ફરજ બને છે કે ગુજરાતના હિતમાં અને ગુજરાતીઓના હિતમાં તાત્કાલીક વડાપ્રધાન ફાઈનલ આર્બીટેટર તરીકે નવો એવોર્ડ જાહેર કરવા માટે જે પણ કાર્યવાહી કરવાની થાય તે અને નર્મદા કન્ટ્રોલ ઓર્થોરીટી અને જળ સંસાધન મંત્રાલયના માધ્યમથી જે સુચનાઓ કે કાર્યવાહી કરવાની થાય તે તાત્કાલીક કરાવે તેવી માંગણી કરવામાં આવી છે.
ગુજરાતે 7500 કરોડથી વધારે રકમ લેવાની થાય
પૂર્વ કેબિનેટ મંત્રી જય નારાયણ વ્યાસે પ્રધાનમંત્રીને વિનંતી કરતા જણાવ્યું હતું કે, તાત્કાલીક ફાઈનલ આર્બિટેટર તરીકે બીજા 45 વર્ષ માટે એવોર્ડ જાહેર કરવામાં આવે સાથે સાથે આ યોજનાને પૂર્ણ કરવા માટે હજુ પણ ઘણા કામ બાકી છે. હજુ પણ પાણી ખેતરો સુધી પહોંચ્યા નથી. એવા સંજોગોમાં આપણા બાજુના પડોશી રાજ્યો છે, તેમને પણ એવોર્ડની શરતો મુજબ એમનો હિસ્સો આપવાનો છે. તે મુજબ તાજેતરમાં વિધાનસભામાં પણ અમોએ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો તે મુજબ આપણા પડોશી રાજ્યો, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર પાસે આ યોજના પેટે ગુજરાતે લગભગ 7500 કરોડથી વધારે રકમ લેવાની થાય છે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે વારંવાર આક્ષેપ હતા કે કેન્દ્રની સરકાર શા માટે ગુજરાતના બાકી લ્હેણા માટે કોઈ પગલા લેતી નથી. કેમ બાજુના રાજ્યો પાસે કડક ઉઘરાણી કરવામાં આવતી નથી ? ત્યારે આજે રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપની આગેવાનીમાં સરકાર છે. ત્યારે વડાપ્રધાનને બીજો પત્ર પણ લખ્યો છે કે તેઓ તાત્કાલીક હસ્તક્ષેપ કરીને ગુજરાતના હિત માટે અને નર્મદા યોજના માટે તાત્કાલીક વડાપ્રધાન હસ્તક્ષેપ કરે અને ત્રણે પડોશી રાજ્યો પાસેથી ગુજરાતનું 7500 કરોડનું લ્હેણું જલ્દીથી ચુકવાય તેના માટે કાર્યવાહી કરવામાં આવે.












