અમદાવાદઃ રક્ષાબંધનના દિવસે જ બનેવીને મારવા ફરતો સાળો ઝડપાયો

અમદાવાદ, તા.9 ઓગસ્ટ, 2025: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે પોલીસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિ તેના બનેવીની હત્યા કરવાના ઇરાદાથી હથિયાર લઈને ફરી રહ્યો હતો.
શું હતો મામલો?
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક યુવક હથિયાર સાથે ઊભો હોવાની પોલીસને બાતમી મળી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચીને યુવકને પકડી પાડ્યો હતો. પૂછપરછ કરતા યુવકે પોતાનું નામ દિશાંત ઉર્ફે કાના ભરવાડ જણાવ્યું. પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી એક પિસ્તોલ અને આઠ કારતૂસ મળી આવ્યા હતા.
બહેનના પ્રેમલગ્નથી નારાજગી
દિશાંતે પોલીસને જણાવ્યું કે તેની બહેને તેની મરજી વિરુદ્ધ વિક્રમ ઠાકોર નામના યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. આ વાતથી તે ખૂબ ગુસ્સે હતો અને તેના બનેવીને ડરાવવા અને સબક શીખવવા માંગતો હતો.આ માટે તેણે તેના મિત્ર અમિત ગોસ્વામી પાસેથી 40,000 રૂપિયામાં હથિયાર ખરીદ્યું હતું. તેણે ઓનલાઈન પેમેન્ટ પણ કર્યું હતું. પોલીસે દિશાંતની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ અમરેલીઃ લીલીયાના નિલકંઠ સરોવરનો રંગ બદલાયો: પાણી લીલું થતા વન્યજીવોનું જીવન જોખમમાં












