ગુજરાત

અમદાવાદમાં SOG અને પોલીસના દરોડા: કૃષ્ણનગરમાંથી રૂ. 23.52 લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો, 2 આરોપીની અટકાયત

Ahmedabad Krishnanagar Ganja Raid: અમદાવાદ શહેરમાં નશાકારક પદાર્થોના દૂષણને નાથવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સ્થાનિક પોલીસે હાથ ધરેલી ઝુંબેશમાં મોટી સફળતા મળી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી જય રઘુનાથ સોસાયટીના એક મકાનમાંથી SOG ટીમે રૂ. 23.52 લાખની કિંમતના 672 ગ્રામ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે રાહુલ ગાડે નામના યુવકને ઝડપી પાડ્યો છે.

કૃષ્ણનગરમાં SOG નો દરોડો

SOG ની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે જય રઘુનાથ સોસાયટીના એક મકાનમાં હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડ્યો ત્યારે આરોપી રાહુલ ગાડે ઘરમાં જ હાજર મળી આવ્યો હતો. મકાનની તલાશી લેતાં રૂ. 23.52 લાખની કિંમતનો 672 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, સાધનો અને અન્ય સામગ્રી મળીને કુલ રૂ. 45.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસ તપાસમાં ખુલાસો

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી રાહુલ આ જથ્થો અમદાવાદના જ બન્ની ભાટિયા નામના શખસ પાસેથી લાવ્યો હતો અને ઘરમાં રાખીને તેનું છૂટક વેચાણ કરતો હતો. પોલીસે ફરાર સપ્લાયર બન્ની ભાટિયાની શોધખોળ હાથ ધરી છે.

ચાંડોળા તળાવ પાસેથી પણ ગાંજા સાથે યુવકની ધરપકડ

નશા વિરોધી કાર્યવાહીના બીજા એક બનાવમાં, ઇસનપુર પોલીસે ચાંડોળા તળાવ પાસે દરોડો પાડીને ફૈઝાન શેખ નામના યુવકની અટકાયત કરી હતી. તેની પાસેથી રૂ. 6 હજારની કિંમતનો 124 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ફૈઝાનની કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ જથ્થો તે શાહ આલમ વિસ્તારના શૌકત હુસેન પાસેથી લાવ્યો હતો. ઇસનપુર પોલીસે ફરાર શૌકત હુસેન સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સુરત-ડીસામાં ભેળસેળખોરો પર તવાઈ, લાખોનું નકલી ઘી અને તેલ જપ્ત

Back to top button