અમદાવાદ: કૃષ્ણનગરમાં સાવકા પિતાએ 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું; આરોપીની ધરપકડ

Ahmedabad Crime: અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એક જઘન્ય કિસ્સો સામે આવ્યો છે. 43 વર્ષીય સાવકા પિતાએ ઘરમાં જ પોતાની 6 વર્ષની સાવકી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. બાળકીની માતાએ ચીસો સાંભળીને રૂમમાં પહોંચીને આરોપીને સંદિગ્ધ હાલતમાં જોયો અને બાળકીને બચાવી લીધી. માતાએ તરત જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકીની માતા બેડરૂમની ગેલેરીમાં કપડાં સૂકવવા ગઈ હતી. ત્યારે સાવકા પિતાની નજર બાળકી પર બગડી. પિતાએ અડપલા કરતા બાળકીએ ચીસો પાડી, જે સાંભળીને માતા તરત જ દોડીને અંદર આવી અને પતિને કંઢગી હાલતમાં જોયો. માતાએ તરત જ દીકરીને પોતાની પાસે ખેંચી લીધી અને પોલીસને જાણ કરી. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એચ. જોશીએ જણાવ્યું કે, આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને તેની વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ તથા દુષ્કર્મની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આરોપી ગાંધીનગર સ્થિત જાણીતી આઈટી કંપની ટીસીએસમાં કામ કરે છે. તેણે ધોરણ 10 પછી મિકેનિકલ ડિપ્લોમા કર્યો છે. માતાએ 2021માં તેની સાથે લગ્ન કર્યા હતા, તેના પહેલા લગ્નથી આ બાળકી છે અને આ લગ્નથી એક દીકરો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીએ તેની પત્ની એટલે કે બાળકીની માતા પાસે સંબંધની માંગણી કરી હતી, પરંતુ તેનું સ્વાસ્થ્ય ખરાબ હોવાથી તેણે ના પાડી હતી. ત્યારબાદ આરોપીએ બાળકીને નિશાન બનાવી. પોલીસે જણાવ્યું કે આરોપીની માનસિકતા વિકૃત છે અને અત્યાર સુધી તેની વિરુદ્ધ આવી કોઈ ઘટનાની જાણ નથી.
પોલીસે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે. આવા કિસ્સાઓમાં બાળકીની સુરક્ષા અને માનસિક આરોગ્યનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: જૂનાગઢના ભાજપ વોર્ડ-6 વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો લિંકથી વિવાદ: સ્ક્રીનશોટ વાયરલ થતા ખળભળાટ












