અમદાવાદ: NEET પરીક્ષામાં 1 કરોડમાં 650થી વધુ માર્ક્સ અપાવી દેવાનો દાવો કેટલો સાચો? કોંગ્રેસે તપાસની માંગ કરી

3 મે 2025 અમદાવાદ: (NTA) નેશનલ ટેસ્ટની એજન્સી દ્વારા NEETની પરીક્ષા દેશભરમાં આવતીકાલે એટલે કે 4 મેના રોજ લેવામાં આવશે જેમાં આશરે 80 હજાર અને ભારતમાં 23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પરંતુ એજન્ટો દ્વારા 75 લાખથી એક કરોડમાં NEETમાં 650થી વધારે માર્ક અપાવી દેવાનો દાવાવાળો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. જે અંગે કોંગ્રેસ પ્રવક્તા દોશીએ યોગ્ય તપાસની માંગ કરી છે અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી તેમજ મંત્રીઓ આ ભૂમિકામાં સંડોવાયેલા હોવાની શંકા વ્યક્ત કરી છે. ત્યારે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે જાણીએ.
250 માર્ક્સનાં સેટિંગ માટેનો વિડીયો વાયરલ
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે NEETની પરીક્ષાના એક દિવસ પહેલા 650 માર્કસના સેટીંગ માટેનો ઓડીયો વાઇરલ થયો છે. ઓડિયોમાં લાખો રૂપિયાના સેટિંગની વાત થઈ રહી છે. ઓડીયો ક્લીપ સાથે સંકળાયેલા લોકોને જેલના હવાલે કરવામાં આવે, સરકાર નીટના પરીક્ષાર્થીઓને પારદર્શકતાનો વિશ્વાસ કેમ નથી અપાવતી, ગુનાહીત કૃત્ય કરનારને કેમ ભાજપ સરકાર બચાવે છે? વગદાર લોકોના બાળકોના પ્રવેશ માટે બારોબાર ગોઠવણ કેમ થઈ રહી છે? ક્યાં મંત્રી માટે આ ખેલ કરવામાં આવ્યા છે? ગત વર્ષે દેશને હચમચાવતુ નીટનું કૌભાંડ ગુજરાતમાં થયુ હતું. ત્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચેરમેન સહિતના લોકો શંકાના દાયરામાં હતા. ગોધરાના સેન્ટરમાં દેશના વિદ્યાર્થીઓને વિશેષ સુવિધા સાથે પરીક્ષા અપાવાઈ હતી. તે વખતે આ મુદ્દો રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે ઉપાડ્યો હતો. અમને એવું લાગે છે કે સરકારે તલસ્પર્શી તપાસને બદલે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના લોકોને બચાવવા માટે ખેલ પણ કર્યો હતો.
અત્રે મહત્વનું છે કે આવતીકાલે રાજ્ય સહિત દેશભરમાં લાખો ઉમેદવારો પોતાનું ભવિષ્ય બનાવવા માટે NEETની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. ત્યારે સેટિંગ પાડવા વાળા એજન્ટોનું નેટવર્ક ગુજરાત સહિત કર્ણાટક મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પણ ફેલાયેલું છે તેવી સૂત્રો પ્રમાણે માહિતી મળી રહે છે. જે અંગે સરકારે યોગ્ય તપાસ કરી જો નેટવર્ક ઉભું કરાયું હોય તો તેને તોડી પાડી કાયમ માટે નાબૂદ કરવું જોઈએ નહીંતર દેશનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે












