ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

VIDEO : અમદાવાદમાં જળબંબાકાર, નદીની જેમ વહ્યા પાણી, સાત કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ

બોપલમાં સૌથી વધુ અસર, અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા; અંડરબ્રિજ બંધ, ટ્રાફિક ઠપ, પેલેડિયમ પાસે CMનો કાફલો પણ અટવાયો

અમદાવાદ: અમદાવાદમાં ગુરુવારે મેઘરાજાએ એવો કહેર વરસાવ્યો કે માત્ર સાત કલાકમાં જ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદ સૌથી વધુ પ્રભાવિત બન્યું, જ્યાં બોપલ, સરખેજ, જોધપુર, બોડકદેવ, થલતેજ, સાયન્સ સિટી અને એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા. અનેક રહેણાંક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો ઘરોમાં જ ફસાઈ ગયા હતા.

ભારે વરસાદને કારણે શહેરના મોટા ભાગના અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી. સિંધુભવન રોડ, એસ.જી. હાઈવે, બોપલ અને આસપાસના વિસ્તારોમાં કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. અનેક કાર અને બાઈક પાણીમાં બંધ પડી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે પેલેડિયમ મોલ નજીક મુખ્યમંત્રીના કાફલાને પણ થોડા સમય માટે ટ્રાફિકમાં અટવાવું પડ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પ્રાથમિક આંકડા મુજબ સવારે 6થી 10 વાગ્યા દરમિયાન શહેરમાં સરેરાશ 0.55 ઇંચ વરસાદ નોંધાયો હતો, પરંતુ સવારે 9થી 10 વાગ્યાના માત્ર એક કલાકમાં જ ભારે વરસાદ વરસ્યો હતો. બોપલમાં સૌથી વધુ લગભગ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે સરખેજમાં 1.89 ઇંચ, બોડકદેવમાં 1.81 ઇંચ, જોધપુરમાં 1.71 ઇંચ, થલતેજમાં 1.30 ઇંચ અને સાયન્સ સિટીમાં 1.16 ઇંચ વરસાદ પડ્યો હતો.

ભારે વરસાદને પગલે વાસણા બેરેજમાં પાણીની આવક વધતાં એક ગેટ ખોલીને પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ થલતેજ મેટ્રો સ્ટેશન નીચે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ દ્વારા મૃતકની ઓળખ અને મૃત્યુના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

ઓફિસ જતા લોકો ફસાયા

ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ઓફિસ જતાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક બસ રૂટ અને સ્થાનિક વાહનવ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યા હતા. ફાયર બ્રિગેડ, AMC અને પોલીસની ટીમો પાણી ભરાયેલા વિસ્તારોમાં સતત કામગીરી કરી રહી છે.

બે-ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ દરમિયાન પણ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. તંત્રે નાગરિકોને પાણી ભરાયેલા રસ્તાઓ, અંડરબ્રિજ અને નદી-નાળાઓથી દૂર રહેવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. શહેરમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા હોવાથી રાહત અને બચાવ તંત્રને પણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે, આજે 1 વાગ્યા સુધીમાં આટલા જિલ્લામાં એલર્ટ
Back to top button