ગુજરાત

15 લોકોને શિકાર બનાવી 20 કરોડ પડાવનાર ‘બંટી-બબલી’નો પર્દાફાશ: અધિકારીઓ-નેતાઓ સાથે સેલ્ફી બતાવી કરતા હતા ફ્રોડ

Ahmedabad News: સરકારી ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓ સાથે ઓળખાણ હોવાનો દાવો કરી કરોડો રૂપિયાનું ફ્રોડ કરનાર હાઈપ્રોફાઈલ ‘બંટી-બબલી’ જોડી આખરે પોલીસ સકંજામાં આવી છે. અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા (EOW) એ લોકો સાથે છેતરપિંડી આચરનાર અનિલ વિભાણી અને તેની પત્ની વિમી વિભાણીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ દંપતીએ પોતાની વૈભવી લાઈફસ્ટાઈલ અને મોજશોખ પૂરા કરવા માટે અત્યાર સુધીમાં 15 જેટલા નિર્દોષ લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે અને અંદાજે 20 કરોડથી વધુની છેતરપિંડી આચરી છે. પકડાયેલો આરોપી ભૂતકાળમાં ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને સુરતમાં તેની પ્રથમ પત્નીની હત્યાના કેસમાં પણ સંડોવાયેલો છે.

હાઈપ્રોફાઈલ ઓળખાણની માયાવી જાળ અને 2.27 કરોડની ઠગાઈ

આર્થિક ગુના નિવારણ શાખાના ડીસીપી હિમકરસિંહે મીડિયાને જણાવ્યું હતું કે, કેનેડામાં PR મેળવવાના બહાને 24 કરોડની છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદી હિરેન કુમાર જ્યારે ભારત પરત આવ્યા, ત્યારે આરોપી અનિલ વિભાણીએ તેમનો સંપર્ક કર્યો હતો. અનિલે સરકારી કચેરીઓ અને જાહેર કાર્યક્રમોમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, મહેસૂલ, સિંચાઈ, વીજળી વિભાગના અધિકારીઓ અને આર્મીના લેફ્ટનન્ટ જનરલ સાથે પડાવેલા ફોટા બતાવીને ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો. કામ કરાવી આપવાના બહાને તેણે હિરેન કુમાર પાસેથી 2.27 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ ઠગાઈમાં તેની પત્ની વિમી પણ સક્રિય હતી, જેણે ફરિયાદી પાસે 1 લાખ રૂપિયાની કિંમતી સાડીઓ ખરીદાવી તેનું પેમેન્ટ પણ કરાવ્યું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ટ્રક ડ્રાઈવરથી કિંગપિન સુધીની સફર અને ગુનાહિત ઈતિહાસ

આરોપી અનિલ વિભાણીનો ભૂતકાળ મજૂરી અને સામાન્ય નોકરીઓ સાથે જોડાયેલો છે. તે અગાઉ પથ્થરની ખાણમાં પથ્થર તોડવાનું કામ કરતો હતો અને લાંબા સમય સુધી ટ્રક ડ્રાઈવર રહ્યો હતો. વર્ષ 2010 થી તેણે સુરતમાંથી ગુનાહિત પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં તેના વિરૂદ્ધ છેતરપિંડી, પ્રોહીબિશન (દારૂબંધી) તથા ધાક-ધમકી સહિતના 8 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવીને તેણે વૈભવી જીવન જીવવાનું શરૂ કર્યું હતું, જેમાં તેણે મોંઘી ગાડીઓ અને કિંમતી ફર્નિચર વસાવ્યું હતું. આ ઉપરાંત, તેણે 5 થી 6 સોનાના વેપારીઓને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી 5 કરોડ રૂપિયાના ગોલ્ડ બાર અને જ્વેલરી પણ પડાવી લીધી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

5 કરોડની લક્ઝુરિયસ કાર, 10 બેંક એકાઉન્ટ અને 3 લોકર્સ સીઝ કરાયા

EOW ની ટીમે ઓપરેશન હાથ ધરીને આરોપીઓ પાસેથી અંદાજે 5 કરોડની કિંમતની 6 લક્ઝુરિયસ કાર (જેમાં રેન્જ રોવર અને મર્સિડીઝનો સમાવેશ થાય છે) અને 3 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. તપાસના ભાગરૂપે દંપતીના 10 બેંક એકાઉન્ટ્સ અને 3 લોકર્સ તાત્કાલિક ધોરણે સીઝ કરી દેવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન આરોપીના નામે 3 પ્રોપર્ટીના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જો આ મિલકતો છેતરપિંડીના પૈસામાંથી ખરીદવામાં આવી હશે, તો તેને ટાંચમાં લેવાની (જપ્ત કરવાની) કાયદેસરની પ્રક્રિયા હાથ ધરાશે. હાલમાં કોઈ સત્તાવાર બોગસ કંપનીના પુરાવા મળ્યા નથી, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે. પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જો અન્ય કોઈ નાગરિક આ ઠગબાજ દંપતીનો શિકાર બન્યા હોય, તો તેઓ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.

આ પણ વાંચો: CID ક્રાઇમની મોટી કાર્યવાહી, કરોડોના કૌભાંડમાં નાંદોદના પૂર્વ મામલતદારની ધરપકડથી મહેસૂલી આલમમાં ખળભળાટ

Back to top button