ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા-2025નું આયોજન, વિજેતાને રૂ.1 લાખ સુધીના ઈનામ

  • હવે અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે
  • પબ્લિક હેલ્થ સુપરવાઈઝર મારફતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને ફોર્મ ભરાવાનુ રહેશે
  • નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે

અમદાવાદને વધુ સ્વચ્છ શહેર બનાવવા હવે સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા-2025નું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામા આવ્યુ છે. નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે. કોર્પોરેશન રહેણાંક વિસ્તાર તથા સામૂહિક ગરબા એમ બે કેટેગરીમા સ્પર્ધા યોજી બંને કેટેગરીમાં ત્રણ ત્રણ વિજેતાને રોકડ પુરસ્કાર આપશે. જે એક લાખ રૂપિયા સુધી હોઇ શકે છે.

પબ્લિક હેલ્થ સુપરવાઈઝર મારફતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને ફોર્મ ભરાવાનુ રહેશે

નવરાત્રિ પર્વ દરમિયાન ગરબાના તથા આસપાસના સ્થળોને સ્વચ્છ રાખવા રહેણાંક એકમોની કેટેગરીમાં સોસાયટીઓ, ફલેટ વગેરે તથા સામૂહિક ગરબા કેટેગરીમાં પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ કે ખુલ્લા પ્લોટમાં આયોજિત કરવામા આવતા ગરબાનો સમાવેશ કરાયો છે. સ્પર્ધામા ભાગ લેવા સંબંધિત વોર્ડના પબ્લિક હેલ્થ સુપરવાઈઝર મારફતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને ફોર્મ ભરાવાનુ રહેશે.

ઝીરો વેસ્ટ થીમ ઉપર ગરબા આયોજીત કરનારને મૂલ્યાંકનમાં વિશેષ પ્રાધાન્ય

સ્પર્ધા માટે કોર્પોરેશન સાથે લાયઝન કરવા માટે એક નોડલ વ્યકિત નીમવો પડશે. રહેણાંક સોસાયટીઓ ઉપરાંત ફલેટ, હાઈરાઈઝ ટાવર, પોળ, શેરી કે ગામતળ વિસ્તારની સોસાયટીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ઝીરો વેસ્ટ થીમ ઉપર ગરબા આયોજીત કરનારને મૂલ્યાંકનમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.

ઝોન કક્ષાએ પ્રથમ ઈનામ રૂપિયા 31 હજાર

સોસાયટી, રહેણાંક વસાહતો માટે ઝોન કક્ષાએ પ્રથમ ઈનામ રૂપિયા 31 હજાર, દ્વિતીય ઈનામ રૂપિયા 21 હજાર તથા તૃતીય ઈનામ રુપિયા 11 હજાર અપાશે. શહેર કક્ષાએ પ્રથમ ઈનામ રૂપિયા 51 હજાર, દ્વિતીય ઈનામ રૂપિયા 31 હજાર તથા તૃતીય ઈનામ રૂપિયા 21 હજાર અપાશે. સામૂહિક ગરબાના આયોજકો માટે ઝોન કક્ષાએ પ્રથમ ઈનામ રૂપિયા 51 હજાર, દ્વિતીય ઈનામ રૂપિયા 31 હજાર તથા તૃતીય ઈનામ રૂપિયા 21 હજાર અપાશે. શહેર કક્ષાએ પ્રથમ ઈનામ રૂપિયા એક લાખ, દ્વિતીય ઈનામ રૂપિયા 71 હજાર તથા તૃતીય ઈનામ રૂપિયા 51 હજાર અપાશે.

આ પણ વાંચો: ગુજરાત: 206 જળાશયોમાં હાલ સરેરાશ જળસ્તર 91.15 ટકા, જાણો કેટલા હાઈ એલર્ટ હેઠળ રખાયા

Back to top button