અમદાવાદ: AMC પ્લોટનું વેચાણ કરી મેળવશે કરોડોની આવક, આંકડો જાણી દંગ રહેશો

- સ્ટેન્ડિંગ કમિટીએ તાકીદની દરખાસ્ત મંજુર કરી હતી
- ૧૧ કોમર્શીયલ,૪ રહેણાંક પ્લોટનું વેચાણ કરી કરોડો રૂપિયા મેળવાશે
- કોર્પોરેશન હસ્તકના રહેણાંક તથા કોમર્શીયલ પ્લોટની હરાજી કરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ૧૧ કોમર્શીયલ તથા ૪ રહેણાંક હેતુ માટેના પ્લોટનુ વેચાણ કરી રુપિયા ૧૮૨૩ કરોડની અંદાજિત આવક મેળવવા સ્ટેન્ડિંગ કમિટીએ તાકીદની દરખાસ્ત મંજુર કરી હતી. આગામી સપ્તાહે ૨૭ અને ૨૮ નવેમ્બરના રોજ કોર્પોરેશન હસ્તકના રહેણાંક તથા કોમર્શીયલ પ્લોટની હરાજી કરાશે. જેના વેચાણ થકી રુપિયા ૧૨૦૦ કરોડની અંદાજિત આવક થવાની સંભાવના છે.
રુપિયા ત્રણ હજાર કરોડ આવક મેળવવા કોર્પોરેશન પ્રયાસ કરશે
આમ કુલ મળીને ૨૮ પ્લોટનું વેચાણ કરી રુપિયા ત્રણ હજાર કરોડ આવક મેળવવા કોર્પોરેશન પ્રયાસ કરશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોટેરાના બે, ગોતાના ત્રણ ઉપરાંત હેબતપુરના બે તેમજ મકરબાના ત્રણ, બોડકદેવના બે તથા થલતેજના એક પ્લોટનુ વેચાણ કરવા દરખાસ્ત મંજુર કરાઈ હતી. ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, જે પ્લોટનુ વેચાણ થાય એના પ્લાન ૯૦ દિવસમાં મંજુર કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.
પ્લોટ વેચવા કોર્પોરેશને બીડરો પાસેથી ઓફર મંગાવવામાં આવી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષમાં ૧૭ રહેણાંક તથા કોમર્શિયલ પ્લોટનુ વેચાણ કરી રુપિયા ૧૩૦૦ કરોડની આવક ઉભી કરવામાં આવી હતી. પ્લોટના વેચાણ માટે જે યાદી નકકી કરાઈ હતી તે પૈકીના દસ પ્લોટ હજુ સુધી વેચાયા નથી. આ વર્ષે પણ શીલજ, આંબલી, મોટેરા, થલતેજ, ગોતા સહિતના પ્લોટ વેચવા કોર્પોરેશને બીડરો પાસેથી ઓફર મંગાવવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરા: VMCનું મેગા ઓપરેશન, 45 દુકાન અને 11 ઝૂંપડા પર બુલડોઝર ફેરવાયું












