ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિમાચલના પહાડી માર્ગે સર્જાઈ દુર્ઘટના, ખીણમાં કાર પડતાં 6નાં મોત

Himachal Pradesh: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં આવેલા જોગિન્દરનગર સબ-ડિવિઝનના લડભડોલ વિસ્તારમાં એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર 6 યુવકોનાં મોત નીપજ્યાં છે. અકસ્માત ગત રાત્રે થયો હતો, પરંતુ તેની જાણ આજે બપોરે થઈ હતી. મળતી માહિતી મુજબ, મૃતકોમાં મોટાભાગના સગીર વયના હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મૃતકોની ઓળખ યશ રાય (પુત્ર રામલાલ), આયુષ (પુત્ર વિનોદ કુમાર), પંકજ (પુત્ર પરાક્રમ સિંહ), આદિત્ય (પુત્ર અજય કુમાર), અર્નવ (પુત્ર નરેન્દ્ર કુમાર) અને નૂજૂ (પુત્ર નવીન રાય) તરીકે થઈ છે. આ તમામ અલગ-અલગ ગામોના રહેવાસી હતા. પધર ડીએસપી લોકેન્દ્ર નેગીએ અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. કારમાં સવાર તમામ લોકોનાં મોત થયાં છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પેટ્રોલ પંપ પાસે કાર બેકાબૂ બની 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી

મળતી માહિતી મુજબ, લડભડોલ પેટ્રોલ પંપ નજીક કારચાલકે કાબૂ ગુમાવતા કાર અંદાજે 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. ખીણમાં પડવાના કારણે કારને ભારે નુકસાન થયું હતું. તેમાં સવાર તમામ છ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં મોટાભાગના 18 વર્ષથી ઓછી ઉંમરના હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી

ડીએસપી પધર લોકેન્દ્ર નેગીએ છ લોકોનાં મોતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. કાર કયા સંજોગોમાં બેકાબૂ બની અને ખીણમાં ખાબકી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ દુર્ઘટનાને પગલે લડભડોલ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચો:2032થી 2035 વચ્ચે ભારતને મળી શકે ICC ટૂર્નામેન્ટની યજમાની

શિમલામાં પણ કાર ખીણમાં ખાબકતાં 3નાં મોત

આ અગાઉ હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રામપુર સબ-ડિવિઝનમાં પણ ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગૌરા-રામપુર લિંક રોડ પર પશાડા વળાંક પાસે એક કાર રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા.

આ ઘટના સોમવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે બની હતી. કારચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા કાર ખીણમાં પડી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ, ફાયર વિભાગ, મહેસૂલ વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને સારવાર માટે રામપુરના ખનેરી સ્થિત મહાત્મા ગાંધી મેડિકલ સર્વિસિસ કોમ્પ્લેક્સમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ રામાનંદ, ઓમ પ્રકાશ અને હમેન્દ્ર તરીકે થઈ હતી. આ ત્રણેય રામપુરના રાચોલી વિસ્તારના જાગોચ્છા ગામના રહેવાસી હતા. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઓક્ટોબર મહિનામાં પણ સિરમૌર જિલ્લામાં યમુના બ્રિજ પર ડમ્પર સાથે કાર અથડાતાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

આ પણ વાંચો:અર્શદીપ સિંહે રચ્યો નવો રેકોર્ડ, વનડે રેન્કિંગમાં ટોપ-20માં સ્થાન મેળવ્યું

Back to top button