નક્સલવાદ ખતમ થઈ શકે તો નશાનું દૂષણ કેમ નહીં? ડ્રગ્સની સમસ્યાનો ઉલ્લેખ કરતાં PM મોદી ભાવુક થયા

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે યોજાયેલી કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠકમાં દેશના યુવાનોમાં નશાની વધતી સમસ્યા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. આ મુદ્દે ચર્ચા કરતાં વડાપ્રધાન ભાવુક થઈ ગયા હતા અને તેમનો અવાજ પણ ભરાઈ આવ્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશની યુવા પેઢીને ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થોના દૂષણથી બચાવવી એ મોટી જવાબદારી છે. નશાની સમસ્યાને સામાન્ય બાબત તરીકે જોવાને બદલે તેને જડમૂળથી દૂર કરવા સામૂહિક પ્રયાસો કરવાની જરૂર છે. તેમણે નક્સલવાદ સામેની લડાઈનો ઉલ્લેખ કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જે રીતે નક્સલવાદ સામે સફળતા મેળવી શકાય છે તે જ રીતે નશાના દૂષણને પણ દૂર કરી શકાય છે.
‘નક્સલવાદ ખતમ થઈ શકે તો નશાની સમસ્યા પણ દૂર થઈ શકે’
મંત્રીપરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે નક્સલવાદ જેવી ગંભીર સમસ્યા સામે દેશે લાંબી લડાઈ લડી છે. જો આવી સમસ્યાને નિયંત્રણમાં લાવી શકાય છે તો નશાની સમસ્યાને પણ દૂર કરવાની ક્ષમતા દેશ પાસે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવાઓને નશાની લતમાંથી બચાવવા માટે સરકારે અને સમાજે વધુ અસરકારક પ્રયાસો કરવાની જરૂર છે. આ સાથે વડાપ્રધાને સુરક્ષા એજન્સીઓ અને સરકારને નક્સલવાદ ફરી માથું ન ઊંચકે તે માટે સતત સતર્ક રહેવા પર પણ ભાર મૂક્યો હતો.
સાડા ત્રણ કલાકની બેઠકમાં ત્રણ મહત્ત્વપૂર્ણ પ્રેઝન્ટેશન
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક આશરે સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. આ બેઠક દરમિયાન ત્રણ મહત્ત્વપૂર્ણ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં ગરીબી નિવારણ, નક્સલવાદ સામેની કામગીરી અને જનધન યોજના મારફતે આર્થિક સશક્તીકરણ જેવા વિષયોનો સમાવેશ થતો હતો. સપ્ટેમ્બરમાં યોજાયેલી ચિંતન બેઠક દરમિયાન નક્કી કરાયેલા લક્ષ્યો અને સુધારાઓની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
2014થી અત્યાર સુધીમાં 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા
વડાપ્રધાન મોદીએ બેઠકમાં દેશમાંથી ગરીબી ઘટાડવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે વર્ષ 2014થી અત્યાર સુધીમાં દેશમાં 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. વડાપ્રધાને કહ્યું કે વર્ષ 2014માં કેન્દ્રમાં સરકાર રચાઈ ત્યારે તેમણે સરકાર ગરીબો માટે સમર્પિત હોવાનું જણાવ્યું હતું. આ દિશામાં વિવિધ યોજનાઓના માધ્યમથી કામગીરી કરવામાં આવી છે. તેમણે આ સિદ્ધિ ટકાવી રાખવા પર ભાર મૂકતાં કહ્યું કે ગરીબીમાંથી બહાર આવેલા લોકો ફરી ગરીબીમાં ધકેલાઈ ન જાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
11 મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓએ યોજનાઓની માહિતી આપી
ગરીબી નિવારણ અંગેના પ્રેઝન્ટેશનમાં વિશ્વ બેન્કના અહેવાલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નાણા મંત્રાલય, આર્થિક બાબતોના વિભાગ, ગ્રામ વિકાસ, પંચાયતી રાજ અને મત્સ્યપાલન સહિત કુલ 11 મંત્રાલયો તથા વિભાગોના સચિવોએ સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી રજૂ કરી હતી. બેઠકમાં નીચેની યોજનાઓ અને પહેલોના પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
-
પ્રધાનમંત્રી આવાસ યોજના
-
હર ઘર જલ યોજના
-
પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના
-
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)
-
ડિજિટલ સેવાઓનો વિસ્તાર
-
જનધન યોજના અને બેન્કિંગ સુવિધાઓ
આ યોજનાઓ દ્વારા ગરીબ પરિવારોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
બચતની આદતને મજબૂત બનાવવા PM મોદીએ આપી સલાહ
મંત્રીપરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ ભારતીય સમાજમાં બચતની પરંપરાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતીય સમાજની એક મહત્વપૂર્ણ ઓળખ બચત કરવાની આદત છે. ભવિષ્યની આર્થિક સુરક્ષા માટે લોકો બચતને વધુ મહત્વ આપે તે જરૂરી છે. વડાપ્રધાને નાણાકીય સશક્તીકરણ અને આર્થિક સુરક્ષાને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યાં હતાં.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આસિયાન સમિટથી પરત ફર્યા બાદ સીધા બેઠકમાં પહોંચ્યા
અહેવાલ અનુસાર, વડાપ્રધાન મોદી આસિયાન સમિટમાંથી મોડી રાત્રે ભારત પરત ફર્યા હતા. ત્યારબાદ બુધવારે સવારે તેઓ સીધા ભારત મંડપમ પહોંચ્યા હતા અને કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓની પ્રગતિ, ગરીબી નિવારણ અને દેશ સમક્ષ રહેલા પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નશાની સમસ્યાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને વ્યક્ત કરેલી ચિંતા બેઠકનો મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો હતો. તેમણે દેશની યુવા પેઢીને નશાથી બચાવવા અને નક્સલવાદ ફરી ઊભો ન થાય તે માટે સતત પ્રયત્નો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.











