અમદાવાદ: ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની તડામાર તૈયારી, AMC અને મંદિર તંત્ર દ્વારા રૂટ પર પેટ્રોલિંગ

Rathyatra News: અમદાવાદમાં આગામી અષાઢી બીજ (16મી જુલાઈ)ના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી તાજેતરમાં જ શહેરના મેયર, સ્થાનિક ધારાસભ્ય, ડેપ્યુટી મેયર અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જમાલપુરથી સરસપુર સુધીના માર્ગોનું કરાયું સમારકામ
જમાલપુર નિજમંદિરથી શરૂ કરીને ભગવાનના મોસાળ સરસપુર સુધીના આઠ કિલોમીટર એરિયાના સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓ, રથો અને ટ્રકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા રસ્તાના સમારકામ સહિતની તમામ વ્યવસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. આ વર્ષે કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા એડવાન્સમાં જ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ કટિબદ્ધ છે. નાગરિકોને પોલીસની સૂચનાઓનું પાલન કરવા અને પોલીસ અને લોકોના સહયોગથી રથયાત્રા સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે અપીલ કરવામાં આવી છે.
જર્જરિત મકાનો અને સુરક્ષા અંગે ખાસ તકેદારી
રૂટ પર આવતા ભયજનક અને જર્જરિત મકાનો અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. જેમાં જોખમી બાંધકામો ધરાવતા મકાનોના માલિકોને નોટિસ ફટકારીને તેના ભયજનક ભાગો અગાઉથી જ ઉતારી લેવામાં આવ્યા છે. રથયાત્રા દરમિયાન કોઈ વ્યક્તિ ભૂલથી પણ આવા જર્જરિત મકાનો પર ચડી ન જાય તે માટે ત્યાં પતરાં અથવા ગ્રીન કવર લગાવવાની વ્યવસ્થા કરાઈ છે. આ તમામ જોખમી મકાનો પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે અને કોર્પોરેશનની ટીમ પણ ત્યાં હાજર રહેશે. આ ઉપરાંત રથયાત્રાના માર્ગમાં નડતરરૂપ બનતા મોટા વૃક્ષોના ટ્રિમિંગની કામગીરી પણ આટોપી લેવાઈ છે.
એક પણ જગ્યાએ કોઈ ખામી જોવા મળી નથી: મંદિર ટ્રસ્ટી
જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જમાલપુર મંદિરથી ભગવાનના મોસાળ સરસપુર રણછોડજી મંદિર સુધીના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં એક પણ જગ્યાએ એવી કોઈ ખામી જોવા મળી નથી. આ વખતે તંત્ર દ્વારા અગાઉ જ તમામ કામો પૂર્ણ કરી લેવામાં આવ્યા છે, જેનો અમને ઘણો હર્ષ છે. કોર્પોરેશન અને પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ બારોટે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રથયાત્રામાં જોડાતા ભક્તો અને વાહનોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ ચેરમેનો અને પદાધિકારીઓ સાથે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.












