કચ્છ - સૌરાષ્ટ્રખેતીગુજરાતટોપ ન્યૂઝ

ગોંડલ માર્કેટ યાર્ડમાં 30 કટ્ટામાં 600 કિલો ચાઇનીઝ લસણ આવ્યું, સત્તાધીશો દોડતા થયા

રાજકોટ, 07 સપ્ટેમ્બર 2024, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ મળતા ખળભળાટ મચ્યો છે. યાર્ડમાં 30 કટ્ટા એટલે કે અંદાજીત 600 કિલો ચાઈનીઝ લસણ ઉતારવામાં આવ્યુ હતું. ભારતમાં 2006થી ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને જાણ કરી છે. ઉપલેટાના કોઈ વ્યક્તિએ ગોંડલ યાર્ડમાં લસણ વેચવા મુક્યું હતુ. ગોંડલ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ સાથે મળીને લસણની હરાજી જ નહોતી કરી.વેપારીઓએ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાનું ધ્યાન દોરતા તેમણે ચાઈનીઝ લસણ અંગે રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગી લસણ કોણે મોકલ્યું તે અંગે તપાસ હાથ ધરી છે.

30 કટ્ટામાં આશરે 600 કિલો ચીનના લસણનો જથ્થો આવ્યો
ગોંડલ માર્કેટ યાર્ડના એક વેપારીએ જણાવ્યું હતું કે, આજે યાર્ડ ખાતે લસણની આવક દરમિયાન અંદાજે 30 કટ્ટામાં આશરે 600 કિલો ચીનના લસણનો જથ્થો આવ્યો હતો. આ ચીનનું લસણ ક્યાંથી આવ્યું છે? કોણે મંગાવ્યું છે? તે એક તપાસનો વિષય છે. યાર્ડના સત્તાધીશોને રજૂઆત કરી છે. સત્તાધીશોને જવાબદાર લોકોની સામે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે. યાર્ડના સત્તાધીશો પણ સરકાર સાથે વાત કરશે કારણ કે ચીનનું લસણ ભારતમાં આવવાથી ખેડૂતોને ઘણું નુકસાન છે. અંદાજે વર્ષ 2006થી ભારતની અંદર આ લસણ પ્રતિબંધિત છે. આ એક દાણચોરીનો માલ છે જેમની અમને જાણ થતાં યોગ્ય પગલાં લેવા સત્તાધીશોને વિનંતી કરી છે.

વેપારીઓ લસણને હીરા કરતા વધારે પારખે છે
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, યાર્ડની અંદર ચીનનું લસણ આવ્યું છે તેવું વેપારીઓનું માનવું છે. અહીંના વેપારીઓ લસણને હીરા કરતા વધારે પારખે છે. આ લસણ મોકલનાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અમે રજૂઆત કરશું.આ ચીનનું લસણ વાયા ઉપલેટાથી આવ્યું હોવાથી સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. તપાસના અંતે જે કોઈ ગુનેગાર હોય તેમની અમે રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરીશું. આ ઘટનાની જાણ થતાં જ પલીસની ટીમ યાર્ડની ઓફિસે પહોંચી હતી અને વેપારીઓની પુછપરછ કરી હતી.ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉપલેટાના અલતાફભાઈ નામના કોઈ વેપારી કે ખેડૂતે એક પેઢીમાં લસણ આપ્યું હતું. હાલ ઉપલેટાના અલતાફ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃરાજકોટમાંથી માટુંગાના PI વતી રૂ.10 લાખની લાંચ લેતો વચેટીયો ઝડપાયો

Back to top button