લાંચ લઈ માહિતી જાહેર કરવાના કેસમાં EDના બે કર્મચારીઓ સહિત 3 ની ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શનિવારે જણાવ્યું હતું કે તેણે લાંચ લઈને સંવેદનશીલ તપાસ માહિતી શેર કરવાના આરોપમાં તેની મુંબઈની ઓફિસમાં બે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને મહારાષ્ટ્ર સ્થિત સહકારી બેંકના ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ ચેરમેનના નજીકના સાથીની ધરપકડ કરી છે. આ તપાસ સેવા વિકાસ સહકારી બેંકના ભૂતપૂર્વ ચેરમેન અમર મૂળચંદાની સામે મની લોન્ડરિંગની તપાસ સાથે સંબંધિત છે. મહારાષ્ટ્ર પોલીસે મૂળચંદાની અને તેના પરિવારના પાંચ સભ્યોની 27 જાન્યુઆરીના રોજ EDના દરોડા દરમિયાન પુરાવાને અવરોધવા અને નાશ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી.

ED ઓફિસ પરિસરમાં આંટાફેરા કરતા શખસમી ધરપકડ
EDએ કહ્યું, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક વ્યક્તિ (મુંબઈમાં) ED ઓફિસ પરિસરમાં અને તેની આસપાસ વારંવાર છુપાઈ જતો હતો. તેની પૂછપરછ કરતાં તે બબલુ સોનકર (અમર મૂળચંદાનીનો કર્મચારી) હોવાનું જાણવા મળ્યું હતું. તેને મૂળચંદાણી પરિવાર દ્વારા સાક્ષીઓને ધમકાવવા અને ડેટા એન્ટ્રી ઓપરેટર અને ED ઓફિસમાં કામ કરતા કેઝ્યુઅલ કર્મચારીને સંવેદનશીલ માહિતીના બદલામાં લાંચ આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા
ED મુજબ ચૂકવવામાં આવેલી રકમ વસૂલ કરવામાં આવી છે. એજન્સીએ જણાવ્યું હતું કે સોનકર પાસેથી ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા છે અને EDના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ સ્વીકાર્યું છે કે તેઓ તેને સંવેદનશીલ માહિતી આપી રહ્યા હતા. આથી તેની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
મૂલચંદાણી અને અન્યોએ કરી 429 કરોડની ઠગાઈ
મૂલચંદાણી અને અન્યો સામે મની લોન્ડરિંગની તપાસ બેંક ફરિયાદો અને સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર દ્વારા હાથ ધરવામાં આવેલા ઓડિટના આધારે પુણે પોલીસ દ્વારા નોંધાયેલી બહુવિધ એફઆઈઆરથી સંબંધિત છે. તેણે મોટા પાયા પર જાહેર ભંડોળની છેતરપિંડી અને ગેરઉપયોગ જાહેર કર્યો છે, જેના કારણે સેવા વિકાસ સહકારી બેંકને 429 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. EDએ જણાવ્યું હતું કે, કો-ઓપરેટિવ બેંકને કોઈપણ વિવેકપૂર્ણ નાણાકીય ધોરણોને અનુસર્યા વિના કુટુંબની માલિકીની જેમ ચલાવવામાં આવી રહી હતી. અરજદારોની યોગ્યતાની ખાતરી કર્યા વિના અને મોટા પાયે રિકબેકના બદલામાં લોન મંજૂર કરવામાં આવી હતી. લોન લીધેલ ખાતાઓમાંથી 92 ટકા NPA થઈ ગયા છે અને હવે બેંક નાદાર છે.












