ટોપ ન્યૂઝવર્લ્ડ

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધવાની શક્યતા, વાટાઘાટો પહેલા જ થયું ભયાનક

US-Iran Conflict: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ જોવા મળ્યો છે. અમેરિકની સેના દ્વારા પુષ્ટિ કરી છે કે, તેણે મંગળવાર (3 ફેબ્રુઆરી 2026)ના રોજ ઈરાની સર્વેલન્સ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. આ ડ્રોન યુએસએસ અબ્રાહમ લિંકન તરફ જઈ રહ્યું હતું.

બંને દેશો વચ્ચે લશ્કરી સંઘર્ષ થઈ શકે

ડ્રોનને તોડી પાડવાની ઘટના અને ત્યારબાદ હોર્મુઝમાં જહાજને નાકાબંધી કરવાથી પ્રાદેશિક તણાવ ફરી શરૂ થયો છે, જ્યારે વાટાઘાટોના પ્રયાસો ચાલી રહ્યા છે. આ ડ્રોનને તોડી પાડવાથી કોઈ મોટો લશ્કરી સંઘર્ષ થઈ શકે છે કે કેમ તે અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જો આમ થશે તો ફરી એકવાર બે દેશો વચ્ચે યુદ્ધ શરુ થઈ જશે.

CENTCOMના પ્રવક્તાએ શું કહ્યું?

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સે જણાવ્યું હતું કે, ‘USS અબ્રાહમ લિંકનથી ઉડતા F-35C ફાઇટર જેટે Shahed-139 ઈરાની ડ્રોનને તોડી પાડ્યું હતું. આ કાર્યવાહી આત્મરક્ષા અને બોર્ડ પર રહેલા સૈનિકો અને સ્ટાફને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવી હતી’. નોંધનીય છે કે, ઈરાની ડ્રોન આક્રમક રીતે યુએસ એરક્રાફ્ટ કેરિયરની નજીક આવી રહ્યું હતું અને તેનો ઇરાદો સ્પષ્ટ નહોતો. અમેરિકાની સેનાએ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં અનેક ડી-એસ્કેલેશન પગલાં લીધાં, પરંતુ ડ્રોન જહાજની દિશામાં ઉડતું રહ્યું હતું તે પછી જ તેને નિશાન બનાવવામાં આવ્યું હતું.

ઈરાનથી લગભગ 800 કિ.મી. દૂર થયુ શૂટડાઉન

અમેરિકન સૈન્યના જણાવ્યા અનુસાર, યુએસએસ અબ્રાહમ લિંકન અરબ સાગરમાં તૈનાત હતું, જે ઈરાનના દક્ષિણ કિનારાથી આશરે 800 કિલોમીટર દૂર હતું, જ્યાં ડ્રોનનું શૂટડાઉન કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ અમેરિકન કર્મચારી ઘાયલ થયો નથી કે લશ્કરી ઉપકરણોને નુકસાન પહોંચ્યું નથી.

આ ઘટના પર ઈરાન મૌન રહ્યું

ઈરાની સરકાર તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી. જોકે, ઈરાનની અર્ધ-સત્તાવાર સમાચાર એજન્સી, તસ્નીમે, સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ‘આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ડ્રોન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ડ્રોને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ને ડેટા મોકલ્યો હતો અને સંપર્ક તૂટી જવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે’.

વાટાઘાટોની તૈયારીઓ વચ્ચે બની ઘટના

આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ કંઈક અંશે ઓછો થતો દેખાય છે, અને બંને દેશો વચ્ચે પરમાણુ વાટાઘાટોની તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરના અઠવાડિયામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર દબાણ વધાર્યું છે, જ્યારે તેહરાને પણ વાટાઘાટોનો સંકેત આપ્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેશેકિયાંએ કહ્યું છે કે, ‘જો અનુકૂળ વાતાવરણ બનાવવામાં આવે તો તેમણે તેમના વિદેશ મંત્રીને નિષ્પક્ષ અને આદરપૂર્ણ વાતચીત કરવાનો નિર્દેશ આપ્યો છે’.

Back to top button