ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

નેપાળમાં ભયંકર પૂરની વચ્ચે તારણહાર બન્યા શાળાના પ્રિન્સિપાલ, 900 બાળકોને બચાવી લીધા

Nepal floods: નેપાળમાં આવેલા વિનાશક પૂરે અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે, હજારો લોકોને બચાવવામાં આવ્યા છે અને હજુ અનેક લોકો લાપતા હોવાનું જણાવાઈ રહ્યું છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ત્રિશૂલીનો સમાવેશ થાય છે, જ્યાં પાણી સાથે આવેલા કાટમાળ અને મોટી શિલાઓએ આખા વિસ્તારનું ચિત્ર બદલી નાખ્યું. આ વિનાશ વચ્ચે ત્રિશૂલીની ત્રિભુવન સિનિયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલની સતર્કતા અને તાત્કાલિક નિર્ણયને કારણે આશરે 900 વિદ્યાર્થીઓ સુરક્ષિત બચી શક્યા.

સ્કૂલમાં હાજર હતા 900 વિદ્યાર્થીઓ

ત્રિભુવન ત્રિશૂલી સિનિયર સેકન્ડરી સ્કૂલમાં કુલ 1,643 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ઘટના બની તે દિવસે સ્કૂલમાં આશરે 900 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય સ્ટાફ હાજર હતા. અચાનક ઉપરવાસમાંથી ભારે પાણી અને કાટમાળ આવી રહ્યો હોવાની જાણ થતાં સ્કૂલના પ્રિન્સિપાલ રાજેન્દ્ર દુબાને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સ્કૂલ ખાલી કરાવવાનો નિર્ણય લીધો.

ઇન્ડિયા ટીવી સાથેની વાતચીતમાં પ્રિન્સિપાલે જણાવ્યું કે તેઓ તે સમયે ક્લાસરૂમમાં હતા. મિત્રોના માધ્યમથી ઉપર તરફથી મલબા સાથે ભારે પાણી આવી રહ્યું હોવાની માહિતી મળતાં તરત જ તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી.

માત્ર 10 મિનિટમાં બાળકોને ઊંચા વિસ્તારમાં પહોંચાડ્યા

પ્રિન્સિપાલ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને સ્કૂલ બસોમાં બેસાડી ઊંચાઈવાળા સુરક્ષિત વિસ્તારમાં મોકલવાનું શરૂ કર્યું. દાવો છે કે આશરે 10 મિનિટમાં તમામ 900 વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ શિક્ષકો અને અન્ય સ્ટાફ પણ સલામત સ્થળે પહોંચી ગયા.

થોડી જ વારમાં પૂરના ધસમસતા પાણી અને કાટમાળે સ્કૂલ તથા તેની આસપાસના વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ લીધા. જો વિદ્યાર્થીઓને સમયસર બહાર કાઢવામાં આવ્યા ન હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકતી હતી.

પૂરે સ્કૂલ અને ત્રિશૂલી બજારને ઉજાડી નાખ્યું

પૂરના પાણીથી સ્કૂલની આસપાસની અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ. સ્કૂલને પણ ભારે નુકસાન થયું છે. ત્રિશૂલી બજારનો મોટો ભાગ ખંડેરમાં ફેરવાઈ ગયો છે અને અનેક પુલો તથા રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે વિસ્તારમાં ફરીથી મૂળભૂત સુવિધાઓ ઉભી કરવામાં લાંબો સમય લાગી શકે છે. ઘરો અને દુકાનો ખાલી કરાવવામાં આવી છે અને ફરી ભારે પાણી આવે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ છે.

વેપારી અશોક ચૌરસિયાએ ગુમાવ્યું બધું

ત્રિશૂલી બજારમાં વર્ષોથી ગારમેન્ટનો વ્યવસાય કરતા અશોક ચૌરસિયાનો પરિવાર પણ આ વિનાશનો ભોગ બન્યો છે. તેમના જણાવ્યા મુજબ તેમની દુકાનો, ગોડાઉન અને વાહનો સહિત મોટું નુકસાન થયું છે. પૂર દરમિયાન તેમના પરિવારના બે સભ્યોના મોત થયા હોવાનું પણ તેમણે જણાવ્યું.

ચૌરસિયાના કહેવા પ્રમાણે ત્રિશૂલી બજારમાં 60થી વધુ ભારતીય પરિવારો વસતા હતા. આજે બજારમાં અનેક ઘરો અને દુકાનો ખંડેરમાં ફેરવાઈ ગયા છે.

ઉત્તર પ્રદેશના બલિયાથી નેપાળ પહોંચ્યો હતો પરિવાર

અશોક ચૌરસિયા મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રસડા ગામના છે. આશરે 44 વર્ષ પહેલાં તેમનો પરિવાર કાઠમંડુ આવ્યો હતો અને લગભગ 20 વર્ષ પહેલાં ત્રિશૂલીમાં તેમણે વ્યવસાય શરૂ કર્યો હતો.

તેમના જણાવ્યા મુજબ પૂર આવતાં પોલીસ દ્વારા એલર્ટ મળ્યા બાદ તેમણે તાત્કાલિક બાઈક કાઢી પત્ની અને બાળકો સાથે ઊંચા વિસ્તારમાં જવાની કોશિશ કરી હતી. સમયસર બહાર નીકળી જવાથી તેમનો જીવ બચ્યો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અશોકનો દાવો છે કે તેમની ચાર દુકાનો, ચાર ગોડાઉન અને અનેક વાહનો સહિત કુલ રૂ.45 કરોડથી વધુનું નુકસાન થયું છે. પરિસ્થિતિ એવી છે કે હાલ તેમને કપડાં અને ભોજન માટે પણ અન્ય લોકોની મદદ લેવી પડી રહી છે.

નેપાળની આ વિનાશક આપત્તિ વચ્ચે ત્રિશૂલી સ્કૂલની ઘટના એ બતાવે છે કે સંકટ સમયે સમયસર લેવાયેલો એક નિર્ણય કેટલાય લોકોના જીવ બચાવી શકે છે. પ્રિન્સિપાલ અને શિક્ષકોની સતર્કતાએ 900 બાળકોને સંભવિત મોટી દુર્ઘટનામાંથી બચાવી લીધા.

આ પણ વાંચો: દેશના 18 રાજ્યોમાં વરસાદનું એલર્ટ: ઉત્તરાખંડમાં ફ્લેશ ફ્લડનો ખતરો

Back to top button