ટોપ ન્યૂઝયુટિલીટી

WhatsApp પર નંબર વગર ચેટનું ફીચર અટક્યું, સરકારે Meta પાસે માંગ્યો જવાબ

લોકપ્રિય મેસેજિંગ એપ WhatsAppના નવા Username ફીચરને લઈને વિવાદ ઊભો થયો છે. યુઝર્સની પ્રાઈવસી વધારવાના હેતુથી Meta આ ફીચર લોન્ચ કરવાની તૈયારીમાં હતી અને યુઝરનેમ રિઝર્વ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી હતી. જોકે, ફીચર જાહેર થતાની સાથે જ તેના દુરુપયોગને લઈને પ્રશ્નો ઊભા થતાં ભારત સરકારે તેના રોલઆઉટ પર હાલ માટે રોક લગાવવાનું કહ્યું છે. સરકારનું માનવું છે કે આ ફીચર શરૂ થયા બાદ ઓનલાઈન ફ્રોડ, ફિશિંગ, ડિજિટલ અરેસ્ટ અને અન્ય પ્રકારની સાયબર છેતરપિંડીના કેસોમાં વધારો થઈ શકે છે. ત્યારબાદ Metaએ સમગ્ર મામલે પોતાની સ્પષ્ટતા જાહેર કરી છે.

સરકારે કેમ વ્યક્ત કરી ચિંતા?

સરકારના જણાવ્યા મુજબ, જો યુઝર્સને પોતાની પસંદગી મુજબ યુઝરનેમ રાખવાની છૂટ મળશે તો સાયબર ગુનેગારો જાણીતા લોકો, સરકારી વિભાગો અથવા મોટી સંસ્થાઓ જેવા નામ રાખીને સામાન્ય લોકોને સરળતાથી છેતરી શકે છે. આ કારણે ફિશિંગ, નકલી એકાઉન્ટ, ડિજિટલ અરેસ્ટ અને અન્ય ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં વધારો થવાની શક્યતા છે.

Metaને મોકલી નોટિસ

ભારત સરકારે Metaના ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર (India Operations)ને સત્તાવાર નોટિસ મોકલી છે. તેમાં કંપનીને ત્રણ દિવસની અંદર આ નવા ફીચર અંગે વિગતવાર માહિતી આપવા સૂચના આપવામાં આવી છે. સરકારે સાથે જ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ મુદ્દે સરકાર સાથે સંતોષકારક ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી WhatsApp Username ફીચર લોન્ચ ન કરવામાં આવે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Metaએ શું કહ્યું?

સરકારી નોટિસ બાદ Metaના પ્રવક્તાએ જણાવ્યું કે હાલમાં માત્ર યુઝર્સને પોતાની પસંદગીનો Username રિઝર્વ કરવાનો વિકલ્પ જાહેર કરવામાં આવ્યો છે.

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે:

  • હાલમાં Usernameનો ઉપયોગ કરવાની સુવિધા શરૂ થઈ નથી.
  • આ ફીચર હજુ સુધી કોઈપણ યુઝર માટે લાઈવ નથી.
  • વર્ષ 2026ના અંત સુધીમાં તેને તબક્કાવાર (Gradual Rollout) શરૂ કરવામાં આવશે.

સેલિબ્રિટી અને સરકારી સંસ્થાઓના નામ રહેશે સુરક્ષિત

Metaએ વધુમાં જણાવ્યું કે જાણીતા લોકો, સરકારી સંસ્થાઓ, સેલિબ્રિટીઓ અને Verified Meta Accountsના નામ પહેલાથી જ રિઝર્વ રાખવામાં આવશે. તેનો હેતુ કોઈ અન્ય વ્યક્તિ આ નામનો દુરુપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરી ન શકે તે સુનિશ્ચિત કરવાનો છે.

Username ફીચર શું છે?

WhatsAppનું આ નવું ફીચર યુઝર્સને પોતાના મોબાઇલ નંબરના બદલે એક યુનિક Username દ્વારા અન્ય લોકો સાથે જોડાવાની સુવિધા આપશે. આથી વ્યક્તિગત મોબાઇલ નંબર શેર કર્યા વગર પણ ચેટ કરી શકાશે, જે પ્રાઈવસીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે જો યોગ્ય સુરક્ષા વ્યવસ્થા નહીં હોય તો આ ફીચરનો દુરુપયોગ પણ થઈ શકે છે.

હાલ ફીચર પર રોક યથાવત

ફિલહાલ WhatsAppનું Username ફીચર ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું નથી. સરકાર અને Meta વચ્ચે આ મુદ્દે ચર્ચા પૂર્ણ થયા બાદ જ ફીચર લોન્ચ કરવાનો નિર્ણય લેવામાં આવશે. તેથી હાલ સામાન્ય યુઝર્સ માટે માત્ર મોબાઇલ નંબર આધારિત WhatsApp સેવા યથાવત ચાલુ રહેશે.

આ પણ વાંચો: દિલ્હીમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, ISI સાથે જોડાયેલા 4 આતંકીઓ ઝડપાયા

Back to top button