ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

WhatsApp લાવશે નવું ‘ગ્રીન ડોટ’ ફીચર, પ્રોફાઈલ ફોટો જોતા જ ખબર પડી જશે કોણ છે ઓનલાઈન!

WhatsApp New Feature: મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) એ તાજેતરમાં જ યુઝરનેમ ફીચરની જાહેરાત કરી હતી, જે હજુ સુધી સત્તાવાર રીતે રોલઆઉટ થયું નથી. આ દરમિયાન કંપની વધુ એક શાનદાર ફીચર લાવવાની તૈયારી કરી રહી છે, જે યુઝર્સને ખૂબ જ પસંદ આવશે. વોટ્સએપના આ અપકમિંગ ફીચરની મદદથી યુઝર્સે હવે સામેવાળી વ્યક્તિ ઓનલાઈન છે કે નહીં તે જાણવા માટે તેની ચેટ ઓપન કરવાની જરૂર નહીં પડે. વોટ્સએપ હવે કોન્ટેક્ટના પ્રોફાઈલ ફોટો પર એક નાનો ‘ગ્રીન ડોટ’ (લીલો રંગનો ટપકો) બતાવવાનું ફીચર લાવી રહ્યું છે. આ ગ્રીન ડોટ એ વાતનો સંકેત આપશે કે તે યુઝર તે સમયે વોટ્સએપ પર એક્ટિવ છે.

હાલમાં બીટા વર્ઝન પર ચાલી રહ્યું છે ટેસ્ટિંગ

હાલના તબક્કે આ ફીચર એન્ડ્રોઈડ (Android) અને આઈફોન (iOS) બંનેના બીટા વર્ઝનમાં કેટલાક પસંદગીના યુઝર્સ માટે જ જાહેર કરવામાં આવ્યું છે. વોટ્સએપના નવા અપડેટમાં જ્યારે તમે કોઈ કોન્ટેક્ટની ‘ચેટ ઈન્ફો સ્ક્રીન’ ખોલશો, ત્યારે જો તે યુઝર ઓનલાઈન હશે, તો તેની પ્રોફાઈલ ફોટો પર લીલા રંગનો નાનો ડોટ દેખાશે. જેવો તે યુઝર વોટ્સએપ બંધ કરશે કે તરત જ આ ગ્રીન ડોટ આપોઆપ ગાયબ થઈ જશે.

અત્યાર સુધી વોટ્સએપમાં કોઈ યુઝર ઓનલાઈન હોય તો ચેટની અંદર નામની નીચે ‘Online’ લખેલું જોવા મળતું હતું, જેના માટે ચેટ બોક્સ ખોલવું ફરજિયાત હતું. હવે કંપની આ ટેક્સ્ટની જગ્યાએ ગ્રીન ડોટ આપવા જઈ રહી છે, જેથી એક નજરમાં જ ખબર પડી જશે કે સામેવાળી વ્યક્તિ એક્ટિવ છે કે નહીં. કંપનીનું માનવું છે કે આનાથી યુઝર એક્સપિરિયન્સ પહેલા કરતા ઘણો બહેતર બનશે.

પ્રાઈવસી સેટિંગ્સનું પણ રાખવામાં આવ્યું છે ખાસ ધ્યાન

જોકે, આ ગ્રીન ડોટ ફીચર બધા લોકો માટે એકસરખું નહીં દેખાય. કંપનીએ આ ફીચરને વોટ્સએપના પ્રાઈવસી સેટિંગ્સ સાથે જ લિંક કર્યું છે. જો કોઈ યુઝરે પોતાના સેટિંગ્સમાં જઈને ઓનલાઈન સ્ટેટસ છુપાવેલું (Hide) રાખ્યું હશે, તો તેના પ્રોફાઈલ ફોટો પર ગ્રીન ડોટ દેખાશે નહીં. એટલે કે, જો તમે કોઈને તમારું ઓનલાઈન સ્ટેટસ જોવાની પરવાનગી નથી આપી, તો આ નવો સંકેત પણ તેમને દેખાશે નહીં.

ભવિષ્યમાં મુખ્ય ચેટ લિસ્ટમાં પણ જોવા મળી શકે છે

હાલ પૂરતું આ ગ્રીન ડોટ ફીચર માત્ર ચેટ ઈન્ફો સ્ક્રીન સુધી જ મર્યાદિત રાખવામાં આવ્યું છે. તે અત્યારે મુખ્ય ચેટ લિસ્ટ કે હોમ સ્ક્રીન પર દેખાતું નથી. પરંતુ અહેવાલોનું માનીએ તો, વોટ્સએપ ભવિષ્યમાં તેને એપના અન્ય ભાગોમાં પણ રોલઆઉટ કરી શકે છે, જેથી ઓનલાઈન કોન્ટેક્ટ્સને ઓળખવા વધુ સરળ બની જાય.

અત્રે નોંધનીય છે કે આ ફીચર ફેસબુક મેસેન્જર, ટેલિગ્રામ, ડિસ્કોર્ડ અને અન્ય ઘણી મેસેજિંગ એપ્સમાં વર્ષોથી ઉપલબ્ધ છે. હાલમાં આ ફીચર બીટા ટેસ્ટિંગ ફેઝમાં હોવાથી તે ઓફિશિયલી ક્યારે લોન્ચ થશે તે નક્કી નથી, કારણ કે ઘણીવાર કંપની બીટા ટેસ્ટિંગ પછી ફીચરને ડ્રોપ પણ કરી દેતી હોય છે. હવે જોવાનું એ રહેશે કે કંપની આ ફીચર ક્યારે વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરે છે.

આ પણ વાંચોઃ હોર્મુઝની ખાડીમાં ફરી ભડકો: ઇરાને ભારતીય ઓઇલ ટેન્કરને પાછું વાળ્યું, અમેરિકા-ઇરાન વચ્ચે તણાવ ચરમસીમાએ

આ પણ વાંચોઃ ICC T20I Rankings: ઈશાન કિશન નંબર-1 છતાં ચાહકો નારાજ, અભિષેક શર્મા માટે ઉઠી મોટી માંગ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button