ટ્રેન્ડિંગવર્લ્ડ

હોર્મુઝની ખાડીમાં ફરી ભડકો: ઇરાને ભારતીય ઓઇલ ટેન્કરને પાછું વાળ્યું, અમેરિકા-ઇરાન વચ્ચે તણાવ ચરમસીમાએ

Strait of Hormuz tension:  સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની ખાડી)માં ભૌગોલિક-રાજકીય (Geo-political) તણાવને કારણે દરિયાઈ સ્થિતિ ઝડપથી બગડી રહી છે. કેટલાક દિવસો સુધી શાંત રહ્યા બાદ સમંદરનું આ પાણી ફરી એકવાર ઉકળવા લાગ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, ઈરાની સેનાએ હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલા એક ભારતીય ઓઈલ ટેન્કરને અટકાવીને અધવચ્ચેથી જ પાછું મોકલી દીધું છે. ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સી ‘ફાર્સ’ દ્વારા આ અંગેની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટનાના એક દિવસ પહેલા જ ભારત આવી રહેલા એક અન્ય જહાજ પર ડ્રોન હુમલો થયો હતો, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી ગઈ છે.

ઓમાન કોરિડોરના ઉપયોગ પર ઈરાનનો વિરોધ

ઈરાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, હોર્મુઝ જળડમરુમધ્યમાં ઓમાનના સ્પેશિયલ કોરિડોર પરથી પસાર થઈ રહેલા આ ભારતીય ઓઈલ ટેન્કરનો ઈરાનની સેનાએ વિરોધ કર્યો હતો અને તેને આગળ વધતું અટકાવી પરત ફરવાનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 24 જૂનના રોજ ઓમાન અને સંયુક્ત રાષ્ટ્ર (UN)ની ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશને ઓમાનના દરિયાકાંઠા નજીક એક હંગામી દરિયાઈ માર્ગ (કોરિડોર)ની જાહેરાત કરી હતી, જેથી ખાડીમાં ફસાયેલા વ્યાપારી જહાજોને સુરક્ષિત બહાર કાઢી શકાય. આ કોરિડોરની દેખરેખ અમેરિકા કરી રહ્યું છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) રેડિયો કમ્યુનિકેશન દ્વારા ઓમાન કોરિડોર વાપરતા જહાજોને સતત ચેતવણી આપી રહ્યા છે કે તેઓ ઓમાનના બદલે ઈરાન દ્વારા નક્કી કરાયેલા દરિયાઈ માર્ગનો જ ઉપયોગ કરે.

ગુજરાત આવી રહેલા એલએનજી (LNG) જહાજ પર ડ્રોન હુમલો

આ પહેલા મંગળવારે કતારથી એલએનજી (LNG) ગેસ લઈને ભારતના ગુજરાત તરફ આવી રહેલા એક મોટા જહાજ પર હોર્મુઝની ખાડીમાં ખતરનાક ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ પર કુલ ૨૯ ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાં ૪ ભારતીય નાગરિકો પણ સામેલ હતા. હુમલાના કારણે જહાજના એન્જિન રૂમમાં ભયાનક આગ લાગી ગઈ હતી, જોકે સદનસીબે તમામ ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત સાઉદી અરેબિયાના અન્ય એક ટેન્કર ‘વાડિયાન’ પર પણ હુમલો કરાયો હતો.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ની મોટી સૈન્ય કાર્યવાહી

કોમર્શિયલ જહાજો પર થઈ રહેલા સતત હુમલાના જવાબમાં અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર જોરદાર હવાઈ હુમલા શરૂ કર્યા છે. અમેરિકાએ અત્યાર સુધીમાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, કમાન્ડ-એન્ડ-કંટ્રોલ નેટવર્ક, રડાર સાઇટ્સ અને એન્ટી-શિપ મિસાઈલ ક્ષમતાઓ સહિત ૮૦થી વધુ સૈન્ય ઠેકાણાઓને તોડી પાડ્યા છે. આ ઓપરેશનમાં ઈરાનની ક્ષમતા નબળી પાડવા માટે IRGC નેવીની ૬૦થી વધુ ફાસ્ટ એટેક બોટ પણ નષ્ટ કરવામાં આવી છે. આ અમેરિકી હુમલાના વળતા જવાબમાં ઈરાને બુધવારે કુવૈત અને બહેરીન પર મિસાઈલ હુમલા કર્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પનું આક્રમક નિવેદન: “યુદ્ધવિરામ પૂરો થયો”

બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક આક્રમક નિવેદને વૈશ્વિક તણાવમાં ઘી હોમવાનું કામ કર્યું છે. તુર્કીની રાજધાની અંકારામાં ચાલી રહેલી નાટો (NATO) સમિટ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથેનો યુદ્ધવિરામ (Ceasefire) હવે સત્તાવાર રીતે પૂરો થઈ ગયો છે.

ટ્રમ્પે ઈરાની નેતૃત્વ પર આકરા પ્રહારો કરતા કહ્યું, “મને લાગે છે કે યુદ્ધવિરામ હવે ખતમ થઈ ગયો છે. હું હવે તેમની સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. તેઓ ક્રૂર, હિંસક અને બીમાર માનસિકતા ધરાવતા લોકો છે. જો તેમની પાસે પરમાણુ હથિયાર હોત, તો તેઓ અત્યાર સુધીમાં તેનો ઉપયોગ ચોક્કસ કરી ચૂક્યા હોત.”

આ પણ વાંચોઃ UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના નિવેદન પર બબાલ, કહ્યું- છોકરા-છોકરીઓ ભાગી જાય છે અને પછી…

આ પણ વાંચોઃ વડોદરામાં મગરોનો આતંક વધ્યો! ઢાઢર નદીમાં 11 મગર એકસાથે દેખાતા લોકોમાં ફફડાટ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button