અમદાવાદકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સાબરમતી નદીમાં છોડવામા આવેલા પાણીએ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવ્યો

અમદાવાદ 27 ઓગસ્ટ 2025: અમદાવાદની સાબરમતી નદીમાં વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવતાં નદીકાંઠાના ગામોના ખેડૂતોના શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે. દસ્ક્રોઈ, ધોળકા અને બાકરોલ સહિતના નદીકાંઠાના ગામોમાં ખેતરોમાં પાણી ઘૂસી જવાને કારણે રીંગણ, ચોળી અને દૂધી જેવા શાકભાજીના પાક બરબાદ થયા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, તૈયાર થઈ રહેલા પાકને હાથવેંતમાં આવે તે પહેલાં જ પાણી ફરી વળતાં મોટું આર્થિક નુકસાન થયું છે, જેનો અંદાજે 25 લાખ રૂપિયાનો આંક લગાવવામાં આવે છે.
બાકરોલ ગામમાં ખાસ કરીને શાકભાજીના પાકને ભારે અસર થઈ છે. ખેડૂતોએ જણાવ્યું કે નદીમાંથી છોડાયેલું પાણી ખેતરોમાં ઘૂસી જતાં શાકભાજીના છોડ બળી ગયા અને પાક નિષ્ફળ ગયો. ખેડૂતોએ પાણીનો નિકાલ કરવાના પ્રયાસો કર્યા, પરંતુ લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાને કારણે છોડને બચાવી શકાયા નહીં. આ ઘટનાએ ખેડૂતોની મહેનત અને આવક પર સીધી અસર કરી છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે શાકભાજીના પાક તૈયાર થઈને બજારમાં વેચાણ માટે તૈયાર હતા, પરંતુ અચાનક પાણી છોડવાથી તેમનો હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો. દસ્ક્રોઈ અને ધોળકા વિસ્તારના ખેડૂતો ખાસ કરીને શાકભાજીના ઉત્પાદન પર નિર્ભર છે, અને આ નુકસાનથી તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે. ખેડૂતોએ સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પાસે નુકસાનની ભરપાઈ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે યોગ્ય આયોજનની માગ કરી છે.
Back to top button