ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

વૃંદા રાઠી વર્લ્ડ કપની ફાઇનલમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ ભારતીય બની

Sports News: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ભલે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્થાન બનાવી શકી ન હોય, પરંતુ ભારત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ભારતની વૃંદા રાઠીને ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન ખાતે રમાનારી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મહિલા T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે ઓન-ફિલ્ડ અમ્પાયર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ સાથે તેણે મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં ઓન-ફિલ્ડ અમ્પાયરિંગ કરનાર પ્રથમ ભારતીય મહિલા બની ઇતિહાસ રચ્યો છે.

ICC દ્વારા જાહેર કરાયેલા મેચ ઓફિશિયલ્સ મુજબ વૃંદા રાઠી સાથે વેસ્ટ ઈન્ડિઝની જેક્લીન વિલિયમ્સ ઓન-ફિલ્ડ અમ્પાયર તરીકે ફરજ બજાવશે. જ્યારે ન્યૂઝીલેન્ડની કિમ કોટન ટીવી અમ્પાયર અને ઓસ્ટ્રેલિયાની ક્લેર પોલોસાક ચોથા અમ્પાયર તરીકે જવાબદારી સંભાળશે.

વૃંદા રાઠી માત્ર પ્રથમ ભારતીય મહિલા જ નહીં, પરંતુ ICC વર્લ્ડ કપ ફાઇનલમાં અમ્પાયરિંગ કરનાર બીજી ભારતીય પણ બની છે. આ પહેલાં 1987ના પુરુષ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં રામ બાબુ ગુપ્તાએ અમ્પાયરિંગ કર્યું હતું.

વૃંદા રાઠી બની ICC મહિલા T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઓન-ફિલ્ડ અમ્પાયર બનનાર પ્રથમ ભારતીય મહિલા hum dekhenge news

ખેલાડીથી અમ્પાયર સુધીની સફર

37 વર્ષની વૃંદા રાઠીની ક્રિકેટ સફર પણ ખૂબ જ પ્રેરણાદાયક રહી છે. તેઓ શરૂઆતમાં મુંબઈ યુનિવર્સિટીની મહિલા ટીમ માટે મધ્યમ ગતિની બોલર તરીકે રમી હતી. જોકે મુંબઈની સિનિયર ટીમમાં સ્થાન ન મળતાં તેમણે રમત સાથે જોડાયેલા રહેવાનો નિર્ણય લીધો અને શરૂઆતમાં સ્કોરર તરીકે કામ કર્યું હતું.

પૂર્વ BCCI અમ્પાયર ગણેશ અય્યરના પ્રોત્સાહન બાદ તેમણે અમ્પાયરિંગને કારકિર્દી તરીકે અપનાવી હતી. વર્ષ 2014માં મુંબઈ ક્રિકેટ એસોસિએશનની અમ્પાયર પરીક્ષા પાસ કર્યા બાદ 2018માં BCCIની પરીક્ષા પણ સફળતાપૂર્વક પાસ કરી હતી. ત્યારબાદ 2020માં તે ICC ડેવલપમેન્ટ પેનલમાં સામેલ થયા અને આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સતત અમ્પાયરિંગ કરવાની તક મેળવી હતી.

અનેક ઐતિહાસિક સિદ્ધિઓ પોતાના નામે

વૃંદા રાઠીએ 2022ના કોમનવેલ્થ ગેમ્સમાં અમ્પાયરિંગ કર્યું હતું. જાન્યુઆરી 2023માં તે અને જનની નારાયણન પુરુષોની રણજી ટ્રોફી મેચમાં ઓન-ફિલ્ડ અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલાઓમાં સામેલ થઈ હતી.

તે જ વર્ષે તેણે દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા મહિલા T20 વર્લ્ડ કપ, મહિલા પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ સિઝનની ફાઇનલ તેમજ એશિયન ગેમ્સમાં પણ અમ્પાયરિંગ કર્યું હતું.

ડિસેમ્બર 2023માં તે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી મહિલા ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ ભારતીય મહિલા હતી.

હાલ સુધી વૃંદા રાઠી 1 મહિલા ટેસ્ટ, 20 મહિલા વનડે અને 77 મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં તેમની નિમણૂક ભારતીય ક્રિકેટ માટે ગૌરવની સાથે મહિલા અમ્પાયરિંગ ક્ષેત્રે પણ એક નવી સિદ્ધિ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ બ્રાઝીલની હાર બાદ નેમારનો સંન્યાસ, ફૂટબોલ જગતમાં ચકચાર
Back to top button