ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડોદરામાં કોસમોસ બેન્કના લોકરમાં મૂકેલા 45 તોલા સોનાના દાગીના ગાયબ, NRI પરિવાર મુશ્કેલીમાં મુકાયો

વડોદરા, 13 ફેબ્રુઆરી 2026: વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી કોસમોસ કો ઓપરેટિવ બેન્કમાં મોટી ગોલમોલ થઈ હોવાના એક સમાચારે હાહાકાર મચાવી દીધો છે. જ્યાં અમેરિકામાં રહેતા અને વડોદરા દીકરીના લગ્ન માટે આવેલા એક NRI પરિવારે કોસમોસ બેંકના લોકરમાં રાખેલા 45 તોલા સોનાના દાગીના ગુમ થયા હોવાની ફરિયાદ કરી છે.

ખાતેદારની વાત માનીએ તો, 2024માં તેઓએ સોના અને ચાંદીના દાગીના લોકરમાં મૂક્યા હતા. જેમાં આજે ચેક કરતા ફક્ત ચાંદીના દાગીના જ મળ્યા છે. જે સોનાના દાગીના, લગડી અને સિક્કા હતા તે ગાયબ છે. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ બેંક લોકરમાં દાગીના ચોરી થયાની વાત ફેલાતા અન્ય ખાતા ધારકો પણ પોતાના લોકર ચેક કરવા બેંક પર પહોંચ્યા હતા. આ મામલે તપાસ ચાલી રહી હોય બેંકના બ્રાન્ચ મેનેજરે ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી કોસમોસ કો ઓપરેટિવ બેન્કમાં ખાતું ધરાવતા નરેન્દ્રભાઈ શાહ લોકરની સુવિધા લીધી હતી. તેઓના 1212A નંબરના લોકરમાં 45 તોલા સોનાના દાગીના મુકેલા હતા. આજે ગ્રાહક નરેન્દ્રભાઈ શાહ તેઓના પત્ની સાથે બેંકના લોકર માંથી દાગીના કાઢવા ગયા ત્યારે લોકરની અંદર મૂકેલી એલ્યુમિનિયમની પેટીનું તાળું ગાયબ હોવાનું જાણવા મળતા તેઓને શંકા ગઈ હતી.

લોકરની પેટી ખોલીને જોતા સોના ચાંદીના દાગીના પૈકી સોનાના તમામ દાગીનાઓ ગાયબ કરી દેવામાં આવ્યા હોય તેમ જણાયું હતું. બેન્ક લોકરમાંથી દાગીના ચોરી થયાની ઘટના અંગે બાપોદ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસ દોડી ગઈ હતી અને બાપોદ પોલીસે બેંકમાં પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદ અસામાજિક તત્ત્વોનો આતંક: ફતેવાડીમાં ચાની કિટલીવાળાને પગમાં ગોળી મારી

Back to top button