આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ખાલિસ્તાનીઓના વિરોધી શીખ બિઝનેસમેનનું અમેરિકામાં ભેદી મૃત્યુ, અનેક તર્કવિતર્ક

કેલિફોર્નિયા, તા. 3 ઓગસ્ટ, 2025: અમેરિકાના કેલિફોર્નિયામાં ખાલિસ્તાનનો સખત વિરોધ કરનાર શીખ સુખી ચહલનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. સુખી ચહલ અમેરિકામાં રહીને પોતાનો વ્યવસાય કરતા હતા અને અવારનવાર ખાલિસ્તાન વિરુદ્ધ નિવેદનો આપતા હતા. જાણકારોના મતે, તેમણે અમેરિકામાં ખાલિસ્તાનીઓને પરેશાન કરી મૂક્યા હતા.

ડિનર માટે બોલાવ્યા હતા

સુખીના એક નજીકના મિત્ર જસપાલ સિંહે જણાવ્યું કે શનિવારે તેમને એક પરિચિત વ્યક્તિએ ડિનર માટે બોલાવ્યા હતા. જમ્યા પછી તરત જ તેમની તબિયત ખરાબ થઈ ગઈ અને સ્થળ પર જ તેમનું મૃત્યુ થયું હતું. તેમણે ઉમેર્યું કે સુખીને અગાઉથી કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા નહોતી. સુખીના અચાનક મૃત્યુથી અનેક સવાલો ઉભા થયા હતા.

ખાલિસ્તાનીઓની ગતિવિધિઓ સામે સુખી અવારનવાર મોરચો માંડતા

વિદેશમાં ખાલિસ્તાનીઓની ગતિવિધિઓ સામે સુખી અવારનવાર મોરચો માંડતા હતા. વોશિંગ્ટનમાં ખાલિસ્તાની સંગઠનોના જનમત સંગ્રહ પહેલાં તેમનું અચાનક નિધન રહસ્યને વધુ ઘેરું બન્યું હતું. ખાલિસ્તાની સંગઠનો ૧૭ ઓગસ્ટે વોશિંગ્ટન ડી.સી.માં જનમત સંગ્રહ કરાવવાના છે.

સુખી ચહલને ખાલિસ્તાનીઓ દ્વારા અવારનવાર ધમકીઓ મળતી

ખાલસા ટુડેના સ્થાપક સુખી ચહલને ખાલિસ્તાનીઓ દ્વારા અવારનવાર ધમકીઓ મળતી હતી, તેમ છતાં તેઓ નિર્ભયપણે ખાલિસ્તાનીઓની ટીકા કરતા હતા. સુખીના નજીકના મિત્ર બૂટા સિંહ કલેરે જણાવ્યું કે તેમના મૃત્યુ બાદ ભારતને સમર્થન આપતા સમુદાયમાં શોકની લહેર ફરી વળી છે. કલેરે ઉમેર્યું કે પોલીસ તેમના મોતની તપાસ કરી રહી છે અને ઓટોપ્સી રિપોર્ટમાં સત્ય બહાર આવશે.

તેમણે જણાવ્યું કે સુખી હંમેશા ભારતીયોને સલાહ આપતા હતા કે જો અમેરિકામાં રહેવું હોય તો અહીંના કાયદાનું પાલન કરવું પડશે અને અપરાધથી દૂર રહેવું પડશે. તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે, અમેરિકામાં કાયદો અને વ્યવસ્થા અત્યંત કડક છે. જો તમે કાયદો તોડશો તો તમારો વિઝા રદ થઈ શકે છે અને તમને અમેરિકાથી પાછા જવું પડી શકે છે.

આ  પણ વાંચોઃ પ્રિ સ્કૂલ 3 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીને પ્રવેશ આપી શકશે નહીં

Back to top button