ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં તેજી, ક્વિન્ટલનો ભાવ ₹27,000ને પાર, એક વર્ષમાં 29%નો ઉછાળો

Unjha Jeera Price: ગુજરાતના સૌથી મોટા જીરાના વેપાર કેન્દ્ર ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. બજારમાં જીરાના ઊંચા ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹27,000ને પાર પહોંચી ગયા છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેકહોલ્ડર્સ (FISS)ના અંદાજ પ્રમાણે ગત વર્ષે આ સમયગાળામાં જીરાનો ભાવ આશરે ₹21,000 પ્રતિ ક્વિન્ટલ હતો, જે વધીને ₹27,000 સુધી પહોંચ્યો છે. આમ, એક વર્ષમાં ભાવમાં અંદાજે 29 ટકાનો વધારો નોંધાયો છે.
નિકાસની માગ વધતાં જીરાના ભાવને ટેકો
આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય જીરાની માગ મજબૂત રહેતાં ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને સીરિયા સહિત મધ્ય-પૂર્વના દેશોમાંથી પુરવઠો મર્યાદિત થતાં ભારતના જીરાની માગ વધી છે. જોકે ચીને સ્થાનિક સ્તરે જીરાનું ઉત્પાદન શરૂ કરતાં ત્યાંથી મળતા ઓર્ડરમાં ઘટાડો નોંધાયો છે. અન્ય દેશોમાંથી મળતી નિકાસની માગ ભારતીય જીરાના વેપારને ટેકો આપી રહી છે.
અલ નીનોની અસરથી આગામી સિઝનમાં ઉત્પાદન ઘટવાનો ભય
જીરાના ભાવમાં વધારા વચ્ચે આગામી વાવેતર સિઝનને લઈને ચિંતા ઊભી થઈ છે. અલ નીનોની સંભવિત અસરથી વરસાદની પેટર્ન બદલાઈ શકે છે અને પાણીની ઉપલબ્ધતા ઘટી શકે છે. FISSના ચેરમેન તેજસ ગાંધીના જણાવ્યા મુજબ વરસાદની અનિશ્ચિતતા જીરાના વાવેતર અને ઉત્પાદનને અસર કરી શકે છે. જોકે ઉત્પાદન કેટલું ઘટશે તે અંગે હાલ ચોક્કસ અંદાજ લગાવી શકાય તેમ નથી.
ગુજરાતના ચાર જિલ્લામાં પાણીની અછતની ચિંતા
રાજ્યના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લામાં પાણીની અછતની સ્થિતિને કારણે આગામી રવિ સિઝનમાં વાવેતરને અસર થવાની આશંકા છે. બીજી તરફ રાજસ્થાનના જીરું ઉત્પાદક વિસ્તારોમાં પણ ઓછા વરસાદને કારણે જમીનમાં ભેજની અછત સર્જાઈ હોવાની વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
એરંડા અને સરસવના ભાવમાં પણ વધારો
FISSના જણાવ્યા અનુસાર જીરા ઉપરાંત એરંડા અને સરસવ સહિતની કેટલીક કૃષિ જણસોના ભાવમાં પણ તેજી નોંધાઈ છે. કેટલીક જણસોના ભાવમાં આશરે 30 ટકા સુધીનો વધારો થયો હોવાનું જણાવાયું છે. આગામી દિવસોમાં વરસાદ, વાવેતરનું પ્રમાણ અને નિકાસની માગ જીરાના ભાવની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ પરિબળ બની રહેશે.











