ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના આ ગામની મહિલા સરપંચની અનોખી પહેલ, ગુનાખોરી અટકાવવા માટે ઉમદા પગલું ભર્યું

  • રજિસ્ટ્રેશનની નવતર પહેલ કરીને ગુનાખોરી અટકાવવા માટે એક ઉમદા પગલું ભર્યું
  • જીરા ગામમાં હાલ માત્ર 1200 જેટલા જ મૂળ વ્યક્તિઓ વસવાટ કરે છે
  • પરપ્રાંતીય ખેતમજૂરોના આધારકાર્ડ અને ફોટો સાથેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરોના વધતા વસવાટ સાથે હત્યા, ચોરી અને લૂંટ જેવી ગંભીર ગુનાખોરીની ઘટનાઓ પણ વધી રહી છે, જેમાં ખેત મજૂરો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે સાવરકુંડલા તાલુકાના જીરા ગામના શિક્ષિત મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાએ પોલીસના સહયોગથી પરપ્રાંતીય મજૂરોના પરિવાર સાથેના રજિસ્ટ્રેશનની નવતર પહેલ કરીને ગુનાખોરી અટકાવવા માટે એક ઉમદા પગલું ભર્યું છે.

જીરા ગામમાં હાલ માત્ર 1200 જેટલા જ મૂળ વ્યક્તિઓ વસવાટ કરે છે

લગભગ 8 હજારની વસ્તી ધરાવતા જીરા ગામમાં હાલ માત્ર 1200 જેટલા જ મૂળ વ્યક્તિઓ વસવાટ કરે છે, જેમાં મોટે ભાગે વયોવૃદ્ધોનો સમાવેશ થાય છે. ગામના યુવાનો મોટાભાગે મહાનગરોમાં સ્થળાંતર કરી ગયા છે. ગામમાં 1400 જેટલા ખેડૂત ખાતેદારો હોવાથી ખેતીનું કામ મુખ્યત્વે પરપ્રાંતીય મજૂરો પર નિર્ભર છે, જેના કારણે 1500 જેટલા પરપ્રાંતીય મજૂરો જીરામાં વસવાટ કરે છે. જિલ્લાના અનેક ગામોમાં વૃદ્ધોને નિશાન બનાવીને ચોરી, લૂંટ અને હત્યાની ગંભીર ઘટનાઓ બની ચૂકી છે.

પરપ્રાંતીય ખેતમજૂરોના આધારકાર્ડ અને ફોટો સાથેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

જીરા ગામના વૃદ્ધોની ચિંતાને ધ્યાનમાં રાખીને મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાને આ ગુનાખોરી અટકાવવાનો વિચાર આવ્યો હતો. તેમણે ગામમાં વસતા તમામ 1500 જેટલા પરપ્રાંતીય ખેતમજૂરોના આધારકાર્ડ અને ફોટો સાથેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી, જે અંતર્ગત લગભગ 800 જેટલા રજિસ્ટ્રેશન પૂર્ણ થયા છે.

નવતર પહેલને અમરેલી એસ.પી. સંજય ખરાતે આવકારી

મહિલા સરપંચની આ નવતર પહેલને અમરેલી એસ.પી. સંજય ખરાતે આવકારી હતી. તેમણે જણાવ્યું કે રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી ગુનાખોરી કરતા તત્ત્વોમાં પોલીસનો ડર ઊભો થશે, અને જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો પોલીસને નામ-સરનામા અને ફોટો સાથેની માહિતી હોવાથી ગુનાનો ઉકેલ લાવવામાં સરળતા રહેશે.

Back to top button