રવિદાસ જયંતિ અને રવિવાર છતાં 1 ફેબ્રુઆરીએ બજેટ રજુ કરવા સરકાર મક્કમ

નવી દિલ્હી: કેબિનેટની સંસદીય બાબતોની સમિતિ (CCPA) ની બેઠક બુધવારે યોજાવાની શક્યતા છે. આ બેઠકમાં આ વર્ષનું બજેટ ક્યારે રજૂ કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે.
છેલ્લા કેટલાક વર્ષોથી, બજેટ દર વર્ષે 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવે છે. જોકે, આ વર્ષે 1 ફેબ્રુઆરી રવિવારના દિવસે આવે છે. 1 ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસ જયંતિ પણ છે, આ કારણે ગેઝેટેડ રજા છે.
1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા માંગે છે સરકાર
ટોચના સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે બજેટ 1 ફેબ્રુઆરીએ જ રજૂ કરવામાં આવશે, કારણ કે સરકાર નથી ઈચ્છતી કે પરંપરા બદલાય. જોકે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં કેબિનેટની સંસદીય બાબતોની સમિતિ આ બાબતે નિર્ણય લેશે. બુધવારે કેબિનેટની બેઠક બાદ CCPAની બેઠક યોજાશે જેમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
સરકારની યોજના
ઉચ્ચ સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થઈ શકે છે. આર્થિક સર્વે 29 જાન્યુઆરીએ રજૂ થઈ શકે છે. 30 અને 31 જાન્યુઆરીએ રજા રહેશે અને સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ રજૂ થઈ શકે છે. બજેટ સત્રનો પહેલો ભાગ ત્રણ અઠવાડિયા સુધી ચાલવાની ધારણા છે. પહેલા ભાગમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે, જેનો વડા પ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપશે. આ પછી સામાન્ય બજેટ પર ચર્ચા અને નાણાં બિલ રજૂ કરવામાં આવશે. બીજો ભાગ ચાર અઠવાડિયા સુધી ચાલશે, તેમાં કેટલાક મહત્વપૂર્ણ સરકારી બિલો અને ગ્રાન્ટની માંગણીઓ પર ચર્ચા થશે.
ઘણા વર્ષોથી ચાલી આવતી પરંપરા
2017 થી, દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવે છે. નોંધનીય છે કે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવાની પરંપરા 2017 માં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ શરૂ કરી હતી. ગયા વર્ષે 1 ફેબ્રુઆરીએ શનિવાર આવતો હતો અને તે દિવસે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અગાઉ પણ એક વખત શનિવારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ. જોકે, 2017 પછી આ પહેલી વાર છે કે 1 ફેબ્રુઆરી રવિવારે છે.
પહેલાં બજેટ સાંજે રજૂ કરવામાં આવતુ
જોકે, આ પહેલી વાર નથી કે રવિવારે બજેટ રજૂ કરવામાં આવશે. આ પહેલા પણ બજેટ રવિવારે રજૂ કરવામાં આવ્યા છે. 28 ફેબ્રુઆરી, 1999 ના રોજ, તત્કાલીન નાણામંત્રી, યશવંત સિંહાએ રવિવારે બજેટ રજૂ કર્યું હતું. તેમણે સાંજે 5 વાગ્યાને બદલે સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવાની પ્રથા શરૂ કરી હતી.
જોકે, રવિવારે સરકારી કચેરીઓ અને શેરબજાર બંધ રહે છે. આ વર્ષે, 1 ફેબ્રુઆરીએ સંત રવિદાસની જન્મજયંતિ પણ છે.
આ પણ વાંચો: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અચાનક તબિયત બગડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ












