ચૂંટણી 2022વિશેષ

“વહાલી દિકરી યોજના” અંતર્ગત ૧૮ વર્ષ પૂર્ણ થયે દિકરીને મળશે રૂ.૧ લાખની સહાય

ગુજરાત સરકાર દ્વારા વહાલી દિકરી યોજના હેઠળ દિકરીઓના શિક્ષણ સહિતના સર્વાંગી વિકાસ માટે ધોરણ-૧માં અને નવમાં પ્રવેશ વખતે અનુક્રમે રૂ.૬૦૦૦ અને રૂ.૯૦૦૦ આપવામાં આવે છે. ઉપરાંત દિકરીના ઉચ્ચ શિક્ષણ માટે એટલે કે ૧૮ વર્ષ પૂર્ણ થયે રૂ. ૧ લાખની મતદાર સહાય આપવામાં આવે છે. દિકરીઓને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આગવા અભિગમ સાથે તબક્કાવાર સહાય ચૂકવવામાં આવશે.
જૂનાગઢ જિલ્લામાં 7024 અરજીઓ થઈ મંજૂર
આ યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ૭૦૨૪ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. એટલે કે જૂનાગઢ જિલ્લાના દરેક વાલીઓ કે, જેમના ઘરે દિકરીનો જન્મ થયો છે, તેઓ એક વર્ષની અંદર વહાલી દિકરી યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવા જિલ્લાના મહિલા અને બાળ અધિકારી જીગર જસાણીએ અનુરોધ કરતા તેમ જણાવ્યું હતું.
શું છે યોજના શરૂ કરવાનો આશય ?
દિકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે સાથો સાથ તેમનો શાળામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે, દિકરીઓના જન્મને પ્રોત્સાહન મળે, બાળ લગ્ન અટકે અને સમાજમાં દિકરી-મહિલાઓનું સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ થાય તેવા શુભાષય સાથે રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે.
કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ ?
વહાલી દિકરી યોજના હેઠળ લાભ મેળવવા માંગતા દંપતિની (પતિ-પત્ની સંયુક્ત વાર્ષિક આવક) રૂ. ૨ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. તેમજ આ યોજનાનો લાભ દંપતીને પ્રથમથી ત્રણ દીકરીઓ સુધી મળવા પાત્ર છે. સાથે દિકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ વર્ષથી ઓછી ન હોવી જોઈએ. ઉપરાંત વહાલી દિકરી યોજનાનો લાભ તા.૨-૮-૨૦૨૨ કે ત્યારબાદ જન્મેલ દિકરીઓને જ મળવા પાત્ર છે સાથે દિકરીના જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમુનામાં આધાર પુરાવા જોડી અરજી કરવાની રહે છે. તેમ જીગર જસાણીએ જણાવ્યું હતું.
વહાલી દીકરી યોજનાનો લાભ મેળવવા શું કરવું ?
વહાલી દિકરી યોજનાનો લાભ મેળવવા માટે નિયત નમૂનાના ફોર્મ આંગણવાડી કેન્દ્ર, સીડીપીઓ કચેરી, ગ્રામ પંચાયત, મહિલા અને બાળ અધિકારીની કચેરીએ ખાતેથી વિનામૂલ્યે મેળવી શકાશે. ત્યારબાદ આ ફોર્મની સંપૂર્ણ વિગત ભરી તેમજ જરૂરી આધાર પુરાવા જોડી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, બ્લોક નં-૨, બાજા માળે, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ-૩૨૬૦૦૧ ખાતે જમા કરાવવાનુ રહેશે. વધુ જાણકારી માટે ફોન નં (૦૨૮૫) ૨૬૩૨૩૨૨ પર સંપર્ક કરવાનો રહેશે તેમ જીગર જસાણીએ જણાવ્યું હતું.
Back to top button