જોઈ લો આ હવાઈ અકસ્માત, ફિનલેન્ડમાં બે હેલિકોપ્ટર અથડાયા, કેટલાએ જીવ ગુમાવ્યા?

હેલસિંકી 18મે 2025: ફિનલેન્ડમાં શનિવારે એક દુ:ખદ અકસ્માત થયો હતો, જ્યાં બે હેલિકોપ્ટર હવામાં અથડાયા હતા. આ ટક્કર પછી, બંને વિમાનો જમીન પર પડ્યા અને ક્રેશ થયા હતા, જેમાં સવાર તમામ 5 લોકોનાં મૃત્યુ થયા હતા. અકસ્માતની પુષ્ટિ કરતા પોલીસે જણાવ્યું હતું કે બંને હેલિકોપ્ટરમાં ફક્ત 5 લોકો સવાર હતા અને તે બધાએ જીવ ગુમાવ્યા હતા.
પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય તેમજ અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “અકસ્માતમાં ઘણા લોકોનાં મૃત્યુ થયા છે, અમે પીડિતોની ઓળખની પુષ્ટિ કરી રહ્યા છીએ.”
એસ્ટોનિયાથી ઉડાન ભરી હતી, હેલસિંકી નજીક અકસ્માત થયો
સ્થાનિક મીડિયા અનુસાર, આ બંને હેલિકોપ્ટર એસ્ટોનિયાથી ફિનલેન્ડ જઈ રહ્યા હતા. એક હેલિકોપ્ટરમાં ત્રણ અને બીજામાં બે લોકો હતા. તેમાંના મોટાભાગના ઉદ્યોગપતિ હોવાનું કહેવાય છે. આ અકસ્માત બપોરે ફિનલેન્ડની રાજધાની હેલસિંકીના પશ્ચિમ ભાગમાં થયો હતો.
પ્રત્યક્ષદર્શીએ ભયાનક દ્રશ્ય જણાવ્યું
અકસ્માત સ્થળની નજીક રહેલા સ્થાનિક એન્ટિ માર્જાનેને જણાવ્યું કે,”મેં એક હેલિકોપ્ટરને હવામાં બીજા હેલિકોપ્ટરને ટકરાતા જોયું, પછી એક હેલિકોપ્ટર પથ્થરની જેમ નીચે પડ્યું અને બીજું થોડું ધીમે ધીમે નીચે પડ્યું હતું. પરંતુ મેં કોઈ વિસ્ફોટ કે જોરદાર અવાજ સાંભળ્યો નહીં,”
અકસ્માતનું કારણ હજુ પણ રહસ્ય છે
હાલમાં અકસ્માતનું સાચું કારણ જાણી શકાયું નથી. ન તો હવામાન ખરાબ હતું અને ન તો કોઈ ટેકનિકલ ખામીની જાણ થઈ છે. તપાસ એજન્સીઓ બ્લેક બોક્સ, ફ્લાઇટ રેકોર્ડિંગ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે અથડામણનું સાચું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
આ દુ:ખદ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. લોકો આ ભયાનક દ્રશ્ય ભૂલી શકતા નથી. વહીવટીતંત્ર શક્ય તેટલી વહેલી તકે કારણો શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય.
આ પણ વાંચો: પાયલોટ વગર 10 મિનિટ સુધી વિમાન ઉડતું રહ્યું, જાણો પછી શું થયું?












