ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, 14 દેશો પર લગાવ્યો 40 ટકા સુધીનો ભારે કર

વોશિંગ્ટન, 8 જુલાઇ, 2025: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 14 દેશો પર નવા વ્યાપારી કર (ટેરિફ) લગાવવાની ઘોષણા કરી છે. જેમાં સૌથી વધુ 40 ટકા કર મ્યાનમાર અને લાઓ પર લગાવવામાં આવ્યો છે. આ નવો નિયમ 1 ઓગસ્ટથી લાગુ પડશે.
ટ્રમ્પે આ ટેરિફની જાણકારી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સ્પશિયલ પર આપી હતી. તેમણે કહ્યું કે આ નિર્ણય સાથે સંકળાયેલ દરેક સત્તાવાર પત્રો દરેક દેશોના નેતાઓને મોકલી આપવામાં આવ્યા છે.
ટ્રમ્પે 14 દેશોને આ ચેતવણી આપી છે
14 દેશોને મોકલવામાં આવેલા સત્તાવાર પત્રોમાં, ટ્રમ્પે તેમને કડક સ્વરમાં ચેતવણી આપી છે કે જો તેઓ બદલાની કાર્યવાહી તરીકે અમેરિકા પર ટેરિફ વધારશે. જેની સ્પષ્ટતામાં કહ્યુ કે , “જો તમે કોઈપણ કારણોસર તમારા ટેરિફ વધારશો, તો અમે તમે જેટલો વધારો કર્યો છે તેટલો જ કર ઉમેરીશું.”
ટ્રમ્પે સમજાવ્યું કે અમેરિકા માટે ટેરિફ શા માટે જરૂરી છે
તેમણે એમ પણ કહ્યું કે આ નવા ટેરિફ જરૂરી છે કેમ કે જેણે અમેરિકા પર ભારે વેપાર ખાધ લાદી હતી તેવી વર્ષો જૂની ખોટી નીતિઓને સુધારી શકાય. ટ્રમ્પના મતે, આ નીતિઓમાં ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો બંનેનો સમાવેશ થાય છે. ટ્રમ્પે કહ્યું, “અમેરિકા પર આ વેપાર ખાધ ફક્ત આપણા અર્થતંત્ર માટે જ નહીં પરંતુ આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ એક મોટો ખતરો છે.”
ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયાને પહેલા કેમ પસંદ કર્યા?
જ્યારે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટને પૂછવામાં આવ્યું કે આ બે દેશોને પહેલા કેમ પસંદ કરવામાં આવ્યા, ત્યારે તેમણે કહ્યું, “તે પ્રમુખના વિશેષાધિકારની રુએ જે તેમને યોગ્ય લાગતા હતા તેવા દેશો પસંદ કર્યા છે.” કેરોલિને વધુમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઘણા અન્ય વેપાર ભાગીદારો સાથેના સોદાઓને અંતિમ સ્વરૂપ આપવાની નજીક છે. તેમણે કહ્યું હતુ કે, “પ્રમુખ ઇચ્છે છે કે આ સોદા અમેરિકા માટે શ્રેષ્ઠ હોય.”
જાણો કયા દેશો પર કેટલો ટેક્સ?
- મ્યાનમાર- 40%
- લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક (લાઓસ)- 40%
- કંબોડિયા- 36%
- થાઇલેન્ડ- 36%
- બાંગ્લાદેશ- 35%
- સર્બિયા- 35%
- ઇન્ડોનેશિયા- 32%
- દક્ષિણ આફ્રિકા- 30%
- બોસ્નિયા અને હર્ઝેગોવિના- 30%
- જાપાન- 25%
- કઝાકિસ્તાન- 25%
- મલેશિયા- 25%
- દક્ષિણ કોરિયા- 25%
- ટ્યુનિશિયા- 25%
આ પણ વાંચોઃ CDSL અને NSDLએ નવી એપ લોન્ચ કરી, હવે ઇ-વોટિંગ થશે આસાન












