ઓપરેશન POKટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓવૈસી, થરૂર સહિતના 30 સાંસદ વિશ્વમાં ખોલશે પાકિસ્તાનની પોલ, જાણો વિગતવાર

નવી દિલ્હી, તા. 16 મે, 2025: પહેલગામનો હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને ભારત વિરુદ્ધ એક નહીં અનેક જુઠ્ઠાણા ચલાવ્યા હતા. જોકે ભારતે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો. શશિ થરૂર, ઓવૈસી સહિત 30 સાંસદો પાકિસ્તાનને વિશ્વમાં ઉઘાડું પાડવા માટે અલગ અલગ દેશોનો પ્રવાસ કરશે. વિદેશ મંત્રાલય સાંસદોને તેમના રાજદ્વારી મિશન માટે રવાના થતાં પહેલાં માહિતી આપશે.

સૂત્રોએ જણાવ્યું કે ભાજપ, કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, એનસીપી (એસપી), જેડીયુ, બીજેડી, સીપીઆઈ (એમ) અને કેટલાક અન્યનો પ્રતિનિધિમંડળમાં સમાવેશ થશે. આ ડેલિગેશનના એક સંભવિત સભ્યએ કહ્યું કે તેમને 22-23 મે સુધી 10 દિવસ માટે રવાના થવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે વિદેશ મંત્રાલય બાકીની માહિતી અને વિગતો સાથે તેમને પછીથી સંપર્ક કરશે. સૂત્રોએ કહ્યું છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર, ઓડિશાના બીજેપી સાંસદ અપરાજિતા સારંગી શાસક પક્ષ તરફથી આ ડેલિગેશનનો ભાગ હોઈ શકે છે.

કોંગ્રેસમાંથી ઓછામાં ઓછા ચાર સાંસદોને સામેલ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે સરકારની યાદીમાં કોંગ્રેસના સાંસદોમાં શશિ થરૂર, મનીષ તિવારી, સલમાન ખુર્શીદ અને અમર સિંહનો સમાવેશ થાય છે અને પક્ષ દ્વારા પણ તેઓ પ્રતિનિધિમંડળનો ભાગ બનશે તેવી પુષ્ટિ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા શશિ થરૂર અને એઆઈએઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ આ ડેલિગેશનનો ભાગ હોઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, જેડીયુના સંજય ઝા, બીજેડીના સસ્મિત પાત્રા, એનસીપી (એસપી)ના સુપ્રિયા સુલે, ડીએમકેના કે. કનિમોઝી, સીપીઆઈ (એમ)ના જોન બ્રિટાસ અને એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીને પણ પ્રતિનિધિમંડળનો ભાગ બનવા માટે પસંદ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પ્રતિનિધિમંડળ વિશે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પીટીઆઈને જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ સાથે વાત કરી છે.

જયરામ રમેશ શું બોલ્યા?

જયરામ રમેશે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, વડાપ્રધાને પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પર બે સર્વપક્ષીય બેઠકોની અધ્યક્ષતા કરવાનો ઇનકાર કર્યો છે. વડાપ્રધાન સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે સહમત નથી થયા, જેની માંગ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સામૂહિક ઇચ્છાશક્તિ દર્શાવવા અને 22 ફેબ્રુઆરી, 1994ના રોજ સંસદ દ્વારા સર્વસંમતિથી પસાર થયેલા પ્રસ્તાવને પુનરાવર્તિત કરવા માટે કરી રહી છે. જયરામ રમેશે દાવો કર્યો કે વિપક્ષી પાર્ટી તરફથી એકતા અને એકજુટતાનું આહ્વાન કરવામાં આવ્યું હોવા છતાં વડાપ્રધાન અને તેમની પાર્ટી સતત કોંગ્રેસને બદનામ કરી રહી છે. તેમણે કહ્યું, “હવે અચાનક વડાપ્રધાને પાકિસ્તાનથી આતંકવાદ પર ભારતના વલણને સમજાવવા માટે વિદેશમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ હંમેશા સર્વોચ્ચ રાષ્ટ્રીય હિતમાં વલણ અપનાવે છે અને ભાજપની જેમ ક્યારેય રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓનું રાજનીતિકરણ કરતી નથી. તેથી, કોંગ્રેસ ચોક્કસપણે આ પ્રતિનિધિમંડળોનો ભાગ બનશે.


આ પણ વાંચોઃ મોદી સરકાર થરૂરને આપશે મોટી જવાબદારી, કોંગ્રેસે યાદ અપાવી ‘લક્ષ્મણ રેખા’

Back to top button