ઓપરેશન POKટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપના વધુ એક નેતાનો બફાટઃ મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રીના બેહુદા નિવેદનથી વિપક્ષોને મળ્યો મોટો મુદ્દો

જબલપુર, તા. 16 મે, 2025: મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ બાદ હવે પ્રદેશ સરકારના ઉપમુખ્યમંત્રી જગદીશ દેવડાએ ભારતીય સેના પર આપત્તિજનક ટિપ્પણી કરી છે. જબલપુરમાં સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સના તાલીમ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ દેવડાએ કહ્યું કે આખો દેશ, દેશની સેના અને સૈનિકો પીએમ મોદીના ચરણોમાં નતમસ્તક છે. ડેપ્યુટીના આ નિવેદન પર રાજકીય હોબાળો મચી ગયો છે. વિપક્ષે દેવડા પર સેનાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.

કાર્યક્રમને સંબોધિત કરતાં ડેપ્યુટી સીએમ પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે માત્ર દેશ જ નહીં પરંતુ દેશની આખી સેના પણ વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે. દેવડાએ કહ્યું કે આ માટે વડાપ્રધાનની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. આ દરમિયાન તેમણે આતંકવાદીઓના ઠેકાણાઓને ખતમ કરવા માટે ઉપસ્થિત લોકોને તાળીઓ પણ પડાવી. કાર્યક્રમને સંબોધિત કરતાં દેવડાએ કહ્યું કે પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા. પ્રવાસીઓને તેમના પરિવારની સામે ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી. મહિલાઓને અલગ લઈ જવામાં આવી અને પુરુષોને તેમના પરિવારના સભ્યો, તેમના બાળકોની સામે ગોળી મારી દેવામાં આવી હતી. ત્યારે જ અમે નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી અમે આતંકવાદીઓ અને તેમનું સમર્થન કરનારાઓ પાસેથી બદલો નહીં લઈ લઈએ ત્યાં સુધી શાંતિથી નહીં બેસીએ.

જગદીશ દેવડાએ વિવાદ વધતાં પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરને લઈને મેં એવું કહ્યું હતું કે દેશની સેનાએ જે કામ કર્યું છે, તેની જેટલી સરાહના કરવામાં આવે તેટલી ઓછી છે. દેશની સેના માટે, દેશની જનતા તેમના ચરણોમાં નતમસ્તક છે. તેમનું પૂરેપૂરું સન્માન કરે છે. હંમેશા દેશની સેનાએ દેશની રક્ષા માટે કામ કર્યું છે. મેં જે કહ્યું છે તેને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસે ભાજપ પર કર્યો હુમલો

મધ્યપ્રદેશના ઉપમુખ્યમંત્રીના નિવેદનને વિપક્ષી કોંગ્રેસે સેનાનું અપમાન ગણાવ્યું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક્સ પર કહ્યું કે ભાજપના નેતાઓ દ્વારા સતત આપણી સેનાનું અપમાન અત્યંત શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. પહેલાં મધ્ય પ્રદેશના એક મંત્રીએ મહિલા સૈનિકો પર અભદ્ર ટિપ્પણી કરી અને હવે તેમના ઉપમુખ્યમંત્રીએ સેનાનું ઘોર અપમાન કર્યું છે.

સમગ્ર દેશની જનતા સેનાના શૌર્ય પર ગૌરવ અનુભવે છે પરંતુ ભાજપના લોકો સેનાને અપમાનિત કરી રહ્યા છે અને ભાજપ પોતાના આ નેતાઓ પર કાર્યવાહી કરવાને બદલે તેમને બચાવવામાં પૂરી તાકાત લગાવી રહી છે. ભાજપ આવું કરીને આપણી સેના અને દેશવાસીઓને શું સંદેશ આપવા માંગે છે?


આ પણ વાંચોઃ મોદી સરકાર થરૂરને આપશે મોટી જવાબદારી, કોંગ્રેસે યાદ અપાવી ‘લક્ષ્મણ રેખા’

Back to top button