YouTube ને પડ્યો $3 બિલિયનનો મોટો ફટકો: અમેરિકન સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સ સાથે ઐતિહાસિક સમાધાન માટે સંમતિ!
US School Districts Social Media Lawsuit: બાળકો અને કિશોરોમાં મોબાઇલ ફોન તેમજ સોશિયલ મીડિયાના વધતા ઉપયોગને લઈને લાંબા સમયથી વૈશ્વિક સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે આ મામલામાં ગૂગલના વીડિયો પ્લેટફોર્મ YouTube ને મોટો ફટકો પડ્યો છે. YouTube એ અમેરિકાના હજારો સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સ સાથે લગભગ $3 બિલિયન (ત્રણ અબજ ડોલર) ના સમાધાન માટે સંમતિ દર્શાવી છે. શાળાઓનો આરોપ છે કે YouTube ની અમુક સુવિધાઓ બાળકો અને કિશોરોને પ્લેટફોર્મ પર લાંબો સમય વિતાવવા માટે વ્યસની બનાવે છે, જેના કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. આ પ્રસ્તાવિત સમાધાનમાં કિશોરો માટે વધારાના સુરક્ષા પગલાંનો પણ સમાવેશ થાય છે, જોકે તેને હજુ સુધી કોર્ટની મંજૂરી મળી નથી.
અલ્ગોરિધમ, ઓટોપ્લે અને અનંત સ્ક્રોલિંગ પર સવાલ
અમેરિકાના સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સનો આરોપ છે કે YouTube ને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જેનાથી બાળકો અને કિશોરો પ્લેટફોર્મ પર શક્ય તેટલો વધુ સમય વિતાવે. એપ્લિકેશનની ભલામણ અલ્ગોરિધમ, ઓટોપ્લે અને અનંત સ્ક્રોલિંગ જેવી સુવિધાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. શાળાઓનું કહેવું છે કે આ સુવિધાઓ યુવા યુઝર્સને સતત વીડિયોઝ જોતા રાખે છે અને તેમને પ્લેટફોર્મ પરથી ખસતા અટકાવે છે. તેમની દલીલ છે કે તેનાથી બાળકોમાં ડિપ્રેશન, ચિંતા અને ખાવાની વિકૃતિઓ જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી છે.
$3 બિલિયનની ચુકવણી અને કિશોરોની સુરક્ષા
અહેવાલ મુજબ, YouTube અને યુ.એસ. સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સ વચ્ચે લગભગ $3 બિલિયન ચૂકવવા માટે સમજૂતી થઈ છે, જેને સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સ સાથેનું અત્યાર સુધીનું સૌથી મોટું કોર્પોરેટ સમાધાન માનવામાં આવી રહ્યું છે. આ કરારમાં 2 મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે: પ્રથમ, લગભગ $3 બિલિયનની મોટી રકમની ચુકવણી, અને બીજું, પ્લેટફોર્મ પર કિશોરોના રક્ષણ માટે વધારાના પ્રોડક્ટ સુરક્ષા પગલાં લાગુ કરવા. જોકે, આ કરાર હજુ અંતિમ નથી અને તેને પૂર્ણ થવામાં થોડા મહિના લાગી શકે છે.
શાળાઓને કેમ પડ્યો વધારાનો ખર્ચ?
સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સનું જણાવવું છે કે સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મના વધી રહેલા ઉપયોગની સીધી અસર શાળા વ્યવસ્થા પર પડી રહી છે. વિદ્યાર્થીઓના મોબાઈલ ફોનના ઉપયોગને નિયંત્રિત કરવા માટે શાળાઓએ ફોન પર પ્રતિબંધ લાગુ કરવો પડ્યો છે અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે માનસિક સ્વાસ્થ્ય સ્ટાફની ભરતી કરવી પડી છે. આ વ્યવસ્થાઓને કારણે શાળાઓને વધારાનો આર્થિક ખર્ચ ઉઠાવવો પડી રહ્યો હોવાથી તેઓ YouTube પાસેથી વળતર અને પ્લેટફોર્મમાં ફેરફારની માંગ કરી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મેટા, સ્નેપ અને ટિકટોક સામે પણ કેસ
આ સમાધાનને કાયદેસર રીતે અંતિમ સ્વરૂપ આપવા માટે મોટાભાગના સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સની સહી જરૂરી છે અને ત્યારબાદ કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં આ કેસની દેખરેખ રાખતા યુ.એસ. ડિસ્ટ્રિક્ટ જજ યવોન ગોન્ઝાલેઝ રોજર્સની મંજૂરી લેવી પડશે, તેથી $3 બિલિયનની ચુકવણી હજુ અંતિમ ગણી શકાય નહીં. આ મુદ્દે ગૂગલ અને YouTube તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ અપાયો નથી. બીજી તરફ, મેટાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક, સ્નેપ તેમજ ટિકટોક સામે પણ આવા જ મુકદ્દમા ચાલી રહ્યા છે અને આગામી મુખ્ય ટ્રાયલ ફેબ્રુઆરી 2027 માં ટક્સન, એરિઝોનામાં યોજાવાની છે, જેનાથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય મુદ્દે સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી અંગે મોટી કાનૂની લડાઈ તેજ બની છે.
આ પણ વાંચો: AI બ્રાઉઝર્સના સુરક્ષા જોખમો સામે ગૂગલની નવી તૈયારી: ‘મિરર ડાયમેન્શન’ નામનું નકલી ઇન્ટરનેટ તૈયાર












